Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગર : બે દિવસ દરમિયાન વંટોળીયા પવનનાં કારણે 23 ઝાડ ધરાસાયી થયા, 5 લોકો ઈજાગ્રસ્ત

  • June 12, 2023 

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ દરમિયાન વંટોળીયા પવનના કારણે ખાના ખરાબી થઈ છે, જેમાં જામનગર શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 23 ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, ઉપરાંત વરસાદી વીજળી પડવાનાં કારણે રાવલસર ગામમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે. જામનગર તાલુકાનાં વસઈ ગામમાં પતરા ઉડવાના કારણે ત્રણ બાળકો અને એક મહિલા ઘાયલ થઈ છે, જ્યારે એક પ્રૌઢ પર ઝાડ પડવાથી ઈજા થઈ છે. જામનગર શહેરમાં ગતરોજ તોફાની વંટોળીયા સાથેના ભારે પવનના કારણે 16 ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર પડ્યા હતા, અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં પહોંચી જઈ કરવતની મદદથી ઝાડની ડાળીઓ વગેરે દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરાવાયા હતા.




ત્યારબાદ આજે પણ તોફાની પવનના કારણે વધુ 7 ઝાડ જમીનદોસ્ત થયા હોવાથી તે અંગેની પણ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ રસ્તાઓ ખુલ્લા કરાવવામાં આવ્યા છે. જેમાં એક કાર અને બે બાઈક પણ ઝાડ નીચે દવાઈ ગયા હોવાથી નુકસાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે. જામનગર તાલુકાનાં રાવલસર ગામમાં વરસાદી વીજળી પડવાના કારણે રોશનબેન પતાણી નામની એક મહિલાની ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે. જામનગર તાલુકાના વસઈ ગામમાં પતરા ઉડવાના કારણે એક જ પરિવારના ત્રણ બાળકો ઇસ્માઇલ અબાસભાઈ શમાં (ઉ.વ.15) તોફીક શમા (ઉ.વ.13) અને તમન્નાબેન અબાસભાઈ શમાં (ઉ.વ.10) કે જે ત્રણેય બાળકોને ઇજા થઈ છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણેય બાળકોની પ્રાથમિક સારવાર કરી રજા આપી દેવામાં આવી છે.




આ ઉપરાંત વસઈ ગામમાં રહેતી ફાતીમાંબેન હારુનભાઈ ઘાવડા નામની 43 વર્ષની મહિલાને પણ પતરૂ લાગવાના કારણે ઈજા થઈ હતી, અને તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલનો સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જામનગર તાલુકાનાં વસઈ ગામમાં હિતેશભાઈ સવજીભાઈ નામના ખેડૂતની વાડીમાં ઝાડ પડવાના કારણે દેવુભા ભીખુભા જાડેજા નામના 56 વર્ષના પ્રૌઢને ઈજા થઈ હતી અને તેઓને પણ જામનગરની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application