Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

RBIની ત્રણ દિવસની બેઠકમાં અંતે સતત દસમી વખત રેપો રેટ ૬.૫૦ ટકા યથાવત રાખવા નિર્ણય કર્યો

  • October 10, 2024 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે સતત દસમી વખત રેપો રેટ ૬.૫૦ ટકા યથાવત રાખવા નિર્ણય કર્યો હતો. જોકે પોલિસી સ્ટાન્સ બદલીને ન્યુટ્રલ કરવા સાથે વ્યાજ દરમાં કપાત તરફ કમિટિ આગળ વધી હતી. છ સભ્યોની એમપીસીમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. વ્યાજ દર જળવાઈ રહેતા હોમ, ઓટો સહિતની અન્ય લોન્સના દર તથા ઈએમઆઈમાં ઘટાડા માટે લોનધારકોએ હજુ રાહ જોવી પડશે. અર્થતંત્રની ગતિ મંદ પડતા એમપીસીએ પોલિસી સ્ટાન્સ વિથડ્રોઅલ ઓફ એકોમોડેશનમાંથી બદલીને ન્યુટ્રલ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ૨૦૧૯ના જૂન બાદ પોલિસી સ્ટાન્સ પહેલી વખત બદલવામાં આવ્યું છે.


ન્યુટ્રલ સ્ટાન્સમાં રિઝર્વ બેન્ક આર્થિક સ્થિતિ પ્રમાણે  રેપો રેટમાં વધારો અથવા ઘટાડો કરવાની લવચિકતા ધરાવે છે. હાલની સ્થિતિમાં રેપો રેટમાં ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે. ફેબુ્રઆરી, ૨૦૨૩ની બેઠકમાં રેપો રેટ ૬.૨૫ ટકા પરથી વધારી ૬.૫૦ ટકા કરાયા બાદ આ સ્તર સતત જાળવી રખાયું છે. મજબૂત ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટની ગતિને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના ૭.૨૦ ટકાના અંદાજને રિઝર્વ બેન્કે જાળવી રાખ્યો છે. જોકે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક માટેના જીડીપી અંદાજને ૭.૨૦ ટકા પરથી ઘટાડી ૭ ટકા કરાયો છે.


પ્રથમ ત્રિમાસિકનો જીડીપી ૭.૧૦ ટકાની ધારણાં સામે ૬.૭૦ ટકા રહ્યો હતો. ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટ માગમાં ગતિ આવી રહી છે માટે દેશની વિકાસ ગાથા અકબંધ છે, એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાં નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું. ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટ માગ આર્થિક વિકાસ માટેના પાયાના ચાલળબળો છે. કૃષિ આઉટલુક તથા ગ્રામ્ય માગમાં સુધારાને ધ્યાનમાં રાખતા ખાનગી ઉપભોગનું ભાવિ ઉજળુ જણાય છે. સેવા ક્ષેત્રમાં મજબૂતાઈ પણ શહેરી માગને ટેકો આપશે એમ દાસે જણાવ્યું હતું.


કેન્દ્ર તથા રાજ્ય સરકારોના મૂડીખર્ચ બજેટ અંદાજ પ્રમાણે જોવા મળવાની તેમણે અપેક્ષા વ્યકત કરી હતી. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાના ૪.૫૦ ટકાના અંદાજને જાળવી રખાયો છે. ખાધાખોરાકીનો ફુગાવો આવનારા મહિનાઓમાં કદાચ ઘટશે જ્યારે  ફૂડ તથા ઊર્જા ભાવ સિવાયનો મુખ્ય ફુગાવો ઘટી ગયો છે. ફુગાવામાં ઘટાડો લાવવાના પગલાં સફળ થઈ રહ્યાનો વિશ્વાસ છે આમ છતાં, હવામાનની પ્રતિકૂળ સ્થિતિ, ભૌગોલિકરાજકીય ઘર્ષણો તથા કોમોડિટીના ભાવમાં ફરી જોવા મળેલા વધારાને કારણે ફુગાવા તરફી નોંધપાત્ર જોખમ રહેલું હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું.


આ જોખમોની પ્રતિકૂળ અસરોને અવગણી શકાય નહીં. ફુગાવા પર નજર રાખવાની રહેશે. ઊંચા વ્યાજ દરોને કારણે વિકાસ રૂંધાયો નથી એમ ગવર્નરે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. છેલ્લા દોઢ કરતા વધુ વર્ષથી વ્યાજ દર ઊંચા છે પરંતુ જીડીપી આંક મક્કમ રહ્યા છે. પોલિસી સ્ટાન્સમાં બદલાવને જોતા રિઝર્વ બેન્ક ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના જોવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application