ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે મોડી રાત્રે સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો. બીજી તરફ શનિવારે રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યાનો કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
જયારે તારીખ 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જોકે તારીખ 11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તારીખ 12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાંતે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે તારીખ 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં તારીખ 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતનાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500