Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ

  • July 25, 2024 

મેલેરિયામુક્ત ગુજરાત અભિયાનને વેગવાન બનાવવા માટે ચોમાસામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તકની જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય-વાહકજન્ય રોગ નિયંત્રણ અને રોગચાળા અટકાયતી પગલાં અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્વારા સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી, મચ્છર ઉત્પત્તિસ્થાનોના સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાલ સુરતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદમાં વાહકજન્ય રોગો ફેલાવાની ભીતિ હોઈ સર્વેલન્સ કામગીરીને વધુ તેજ બનાવી વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણ પર ભાર મૂકવા જોઈએ.


મેલરિયા તેમજ વાહકજન્ય રોગોથી બચવા આટલું કરીએ:

શું કરવું...

• તાવ આવે કે તરત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં લોહીની વિનામૂલ્યે તપાસ અને સારવાર કરાવો.

• વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી-બારણાં એક કલાક માટે બંધ રાખો.

• મચ્છરને ઘરમાં પ્રવેશતા અટકાવવા બારી-બારણાંઓમાં મચ્છરની જાળી લગાવો.

• જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાની ટેવ પાડો.

• નાનાં બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો.

• સાંજે ઘરની અંદર લીમડાના પાનનો ધૂમાડો કરી મચ્છર ભગાવો.

• પૂરેપૂરું શરીર ઢંકાય તે પ્રમાણે કપડાં પહેરવા.

• પાણીના તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા.

• ઘરમાં તથા ઘરની બહાર ચોખ્ખા પાણીના પાત્રોને અઠવાડિયામાં એક વખત ખાલી કરી, તાપમાં સૂકવી, ઘસીને ફરીથી ભરીએ. દર અઠવાડિયામાં એકવાર સૂકો દિવસ (ડ્રાય ડે) અચૂક ઉજવો.

• પાણીના નાના ભરાવા વહેવડાવી દો કે માટીથી પૂરાણ કરવું.

• મોટી તેમજ નાની પાણીની ટાંકીઓમાં તેમજ કાયમી પાણી ભરાતુ હોય તેવા તળાવો, ડેમ, હોજ, હવાડા બિનવપરાશી કૂવાઓ કે મોટા પાણીના ભરાવામાં પોરાનાશક માછલીઓ અવશ્ય મૂકાવો.

• બંધિયાર પાણીમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકો અથવા કેરોસીન કે ઓઈલનો છંટકાવ કરો.

• આરોગ્ય કર્મચારી તપાસ માટે આવે ત્યારે યોગ્ય સહકાર આપવો તથા તેમના દ્વારા આપેલ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવું.

• દર રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે માત્ર ૧૦ મિનિટ તમારા ઘરમાં, ૧૦ મીટરના એરિયામાં બિનઉપયોગી પાણીનો નિકાલ કરવો અને આ માહિતી અન્ય ૧૦ વ્યક્તિઓને જણાવવી.


શું ન કરવું...

• પાણીની ટાંકી(વોટર વર્કસ) અને ઢોરોને પાણી પીવાના હવાડાની આજુબાજુ પાણી એકઠું ન થવા દેવું. • ઘરમાં અને ઘરની આજુબાજુ કુલરો, ડોલ, પીપડા, ફુલદાનીઓ, પક્ષીકુંજ, ફ્રિજની ટ્રે, નાળિયેરની કાચલીઓ વગેરેમાં પાણીનો ભરાવો અટકાવો.

• પાણીના પાત્રો અને ટાંકીઓને ખૂલ્લા ન રાખવા.

• ચોમાસામાં ખાડા, ખાબોચિયા, નકામા ટાયરો, ખાલી વાસણો, ધાબા પર તૂટેલો ભંગાર ભેગો ન થવા દેવો, જેથી તેમાં વરસાદનું પાણી ન ભરાય.

• ડ્રેનેજના અભાવે પાણી સ્થગિત ન થવા દેવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application