દેશની આન-બાન-શાનના પ્રતીકસમો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો હવે કેવળ રાષ્ટ્રીય તહેવારોના દિવસે કે સરકારી કાર્યાલયોમાં જ દેખાય છે એવું નથી. હવે તે રસ્તાઓ પર, બારીઓના કાચ પર, લોકોના ચહેરા પર, ટેલિવિઝનના પડદા પર અને ટોપલેસ અભિનેત્રીના અંગ પર સુધ્ધાં જોવા મળે છે, અને તે વિશે કોઇ રાવ-ફરિયાદ કરતું નથી. આવું જ કઇંક તાપીના વ્યારાનગરમાં જોવા મળ્યું છે.
વ્યારાનગરમાં ઉનાઈ સર્કલ નજીક ૮૨ ફૂટની ઉંચાઈ ધરાવતો સ્તંભ ઉભો કરી જેના પર વિધિવત લોકર્પણ કરી ૨૪ કલાકની પરવાનગી ધરાવતો ૧૪ ફૂટ ઉંચાઈ અને ૨૧ ફૂટ લંબાઈ ધરાવતો ધ્વજ લહેરાવામાં આવ્યો હતો. તે સમયે પગાર વિના કામ કરતાં કેટલાક કાર્યકર્તાઓએ હોંશેહોંશે ફોટા પડાવી પોતે દેશીપ્રેમી હોવાનો દેખાડો કર્યો હતો અને તેના ફોટા સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ કરવામાં આવ્યા હતા.
જોકે હવે એજ રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. વ્યારાના ઉનાઈ નાકા પાસેના સર્કલ વચ્ચે ૮૨ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્તંભ ઉપર લહેરાતો તિરંગામાં એક મોટું કાણું પડી ગયું છે. અથવા ફાટી ગયું છે સાથે જ ૨૪ કલાક લહેરાવાના કારણે તિરંગો ધૂળ-ડમરીઓ અને ધુમાડાના લીધે મેલો પણ થઈ ગયો હોવાની ફરિયાદ તિરંગાપ્રેમીઓમાં ઉઠી છે. ત્યારે જવાબદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી "હોતા હૈ ચલતા હૈ" ની નીતિ અપનાવામાં આવશે તે હવે જોવાનું જ રહ્યુ..
ધ્વજ ફરકાવવાના નિયમો અને યોગ્ય રીત પર એક નજર કરીએ
● જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે
● સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.
● ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.
● જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.
● ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો
● ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.
● કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.
● ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.
● જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500