ભરૂચનાં નેશનલ હાઈવે પરથી દારૂની વિપુલ માત્રામાં થતી હેરફેર ઝડપી પાડવા L.C.B.એ ગોઠવેલ વોચમાં અસુરીયા પાટિયા પાસેથી ટ્રકમાંથી રૂપિયા 45.12 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચનાં હાઇવે પરથી દારૂની થતી હેરફેર અટકાવવા L.C.B. સ્ટાફને એલર્ટ કર્યો હતો. જોકે હાઇવે ઉપર L.C.B.ની ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. જયારે P.S.I.ને હાઇવે પરથી મહારાષ્ટ્ર પાર્સિંગ દારૂની ટ્રક પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે નબીપુર હાઇવે ઉપર અસુરીયા પાટિયા પાસે તેઓ ટીમ સાથે વોચમાં ગોઠવાયા હતા.
તે દરમિયાન ટ્રક નંબર MH/18/BA/5354ની આઇસર ટ્રક સુરત તરફથી આવતા તેને અટકાવાઈ હતી. જોકે ટ્રક ઉપર લગાવેલી લીલી તાડપત્રી હટાવી ફાડકા ખોલતા પુઠ્ઠાનાં પેલેટ નજરે પડ્યા હતા. જે પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી નીચે છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. આમ, L.C.B.એ દારૂની 940 પેટીઓ જેમાં 45,120 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 45.12 લાખ, ટ્રક, મોબાઈલ અને રોકડ રૂપિયા મળી કુલ 48.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે મધ્યપ્રદેશનાં ઇન્દોરનાં ટ્રક ચાલક અંતરસિંહ લક્ષ્મણસિંહ ભાભરની ધરપકડ કરી, ઇન્દોર દાદા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ પોલીસે મહારાષ્ટ્રથી દારૂની પેટીઓ ભરી વડોદરા તરફ કોને મોકલવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500