ભારતના વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે જેઓ ઈઝરાયેલ કે ઈરાન જવા માગે છે તેમના માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હાલની આ બન્ને દેશોમાં સુરક્ષાની સ્થિતિને જોતા મંત્રાલય દ્વારા હમણાં ત્યા જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. હવે જેઓ પહેલાથી જ ત્યાં રહે છે તેમને ભારતીય એમ્બેસીમાં પોતાની માહિતી આપીને રજિસ્ટ્રેશન કરવાની પણ સલાહ ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. નોંધનીય છે કે, નોકરી-ધંધા અર્થે પણ ઈઝરાયેલ અને ઈરાનમાં ભારતીય નાગરિકો વસવાટ કરે છે જેને ધ્યાનમાં રાખીને ખાસ સૂચનાઓ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવી છે. વિદેશ મંત્રાલયના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “આ જગ્યાઓ (ઈઝરાયેલ અને ઈરાન)ની હાલની સ્થિતિને જોતા આગામી સૂચના ન આવે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલ જવાનું ટાળવું. આ સિવાય જેઓ અગાઉથી જ ઈરાન અને ઈઝરાયેલમાં છે તેમણે પોતાની માહિતી ભારતીય એમ્બેસીને આપીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.”
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “જેઓ ત્યાં છે તેમણે પોતાની ગતિવિધિ ઘટાડીને સુરક્ષા મામલે કેટલીક બાબતોની કાળજી રાખવા અંગેની વિનંતી કરવામાં આવી રહી છે.” અમેરિકાની ઈઝરાયેલમાં રહેલી એમ્બેસી દ્વારા પોતાના ડિપ્લોમેટ્સને સુરક્ષાની દ્રષ્ટિએ ગતિવિધિમાં ઘટાડો કરવાની સૂચના આપ્યા બાદ ભારત સિવાય ફ્રાન્સની સરકાર દ્વારા પણ ફ્રેન્ચના નાગરિકોને ઈરાન, ઈઝરાયેલ, લેબેનોન કે પેલિસ્તાઈનમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. અમેરિકાના ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ ઈરાન ઈઝરાયેલ પર 100થી વધુ ડ્રોન અને ડઝન મિસાઈલો દ્વારા હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર-અબ્દુલ્લાહીને ગુરુવારે રાત્રે જણાવ્યું છે કે, તેમને જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેન બાએરબોકની સાથે બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયાના સમકક્ષોના ફોન આવ્યા હતા. આ સાથે જ ટ્વિટર અને હાલના X પર ઈરાનના મંત્રીએ માહિતી આપી છે કે, ‘ઈરાન યુદ્ધનો વ્યાપ વધારવા માગતું નથી.’
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500