તાપી જિલ્લો એ ગુજરાતની પૂર્વ સરહદનું પ્રવેશદ્વાર ગણાય છે. આ જિલ્લામાં આવેલી ઐતિહાસિક વિરાસત, અને રાજ્યના અન્ય વિસ્તારોથી અલગ પડતા લોકજીવને, તાપી જિલ્લાને નવી ઓળખ અપાવી છે, તેમ જણાવી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પરમારે કુદરતી વનસંપદા સાથે પૌરાણિક સ્થળો અને પર્યટન સ્થળોને કારણે પણ તાપી જિલ્લો આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યો છે તેમ જણાવ્યું હતું.
પૂણ્યસલિલા તાપી નદીના બંન્ને કાંઠે વસેલા તાપી જિલ્લાના અમૂલ્ય વારસાના જતન સાથે, વિકાસના માર્ગે આગળ ધપી રહેલા રાજ્ય અને દેશના વિકાસમાં સૌ સાથે મળીને ફાળો આપીએ, તેમ જણાવતા મંત્રીશ્રીએ જિલ્લાના પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદીના સંગ્રામ વખતે પૂ.ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશવ્યાપી અહિંસક ચળવળ જાગી હતી, આજે કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશવ્યાપી ચળવળ જાગી છે ત્યારે આપણે સૌ એક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આપવમાં આવેલ સુચના/માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરી કોરોના સામેનો પણ સંગ્રામ જીતવાનો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક અવરોધો પાર કરીને આપણા દેશમાં નવાયુગનો પ્રારંભ થયો છે જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ છે. તેમ જણાવી ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં સલામત અને સુરક્ષિત રાજ્યની વિભાવના અને વહિવટમાં પારદર્શિતા સાથે આગામી દિવસોમાં ગુજરાતના વિકાસને નવી ઊંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકારે કરેલા આયોજનનો ખ્યાલ આપી વિકાસલક્ષી યોજનાઓની જાણકારી પણ આપી હતી.મંત્રીશ્રીએ ભારતને વિશ્વગુરૂ બનાવવામાં ગુજરાત મહત્વની ભુમિકા ભજવી શકે તે માટે સૌને સંકલ્પબધ્ધ બની સમૃધ્ધ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાની હાકલ કરી હતી. કોરોના સંક્રમણની આપત્તિ વચ્ચે વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થઈ રહ્યા છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વિકાસની રફતાર અટકવા નહિ દેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
રાજ્ય સરકારે શ્રમદાન સાથે સંકળાયેલા શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના સહિત ધન્વંન્તરી આરોગ્ય રથ, શ્રમજીવી પરિવારના બાળકો માટે નિવાસ સાથે શિક્ષણ, આરોગ્ય,વીજળી, પાણી, સિંચાઈ, કૃષિ વ્યવસ્થા સહિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનું સઘન અમલીકરણ કર્યુ છે તેમ જણાવી તાપી જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસકામોની ઝાંખી પણ આ વેળા રજુ કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વ્યારા નગર પાલિકા હસ્તકના રૂ.૧.૮૫ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ.૪.૨૬ કરોડના કામોનું તક્તિ અનાવરણ કરી ખાતમુહર્ત કર્યુ હતુ. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે તાપી જિલ્લાની ગૌરવગાથા ડીવીડીનું વિમોચન કરાયું હતુ.
વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં સવારે ૯ વાગ્યાના ટકોરે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પરમારે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. ત્યારબાદ પરેડ નિરીક્ષણ કરી કર્યુ હતું.આ પ્રસંગે જિલ્લાના વ્યક્તિ વિશેષ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ કર્મયોગીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતુ.
રાષ્ટ્રના ૭૪ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં કલેક્ટરશ્રી આર.જે હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, પોલીસ અધિક્ષકશ્રી સુજાતા મજમુદાર, અધિક કલેક્ટર બી.બી.વહોનીયા સહિત જુદાજુદા વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. સાંપ્રત કોવિદ-૧૯ના સંભવિત સંક્રમણની પરીસ્થિતી ધ્યાને લઈને સમગ્ર તાપી જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની સાદગીપૂર્વક પણ આન, બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની સરકારી કચેરીઓ, નગર પાલિકા, ગ્રામ પંચાયતો, શાળા-કોલેજો, સહકારી/સ્વૈચ્છિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી. આઝાદી માટે લડત ચલાવી પ્રાણોની આહુતી આપનાર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500