દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે સુરત સહિતનાં વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે રાંદેરમાં પાલનપુર જકાતનાકા ખાતે ઝાડા અને કમળાની અસર થયા બાદ ૧૪ દિવસની બાળકી તથા ગોડાદરામા ઉલટી સહિતની તકલીફ થયા બાદ ૧૮ માસની બાળકી અને ઝાડા-ઉલ્ટી થયા બાદ તરૂણનું મોત નીપજ્યું હતું. સિવિલથી મળેલી વિગત મુજબ, મુળ સુરેન્દ્રનગરના વતની અને હાલમાં રાંદેરમાં પાલનપુર જકાતનાકા ખાતે સંતતુકારામ સોસાયટીમાં રહેતા સારીકા રાહુલ ચોરાસીયાની ૧૪ દિવસની બાળકીને બે દિવસથી ઝાડા, શરદી, કફ અને કમળાની અસર થતા સારવાર માટે દવાખાન લઇ ગયા હતા.
બાદમાં જોકે ગુરુવારે સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેના પિતા કાડના કામ સાથે સંકળાયેલા છે. બીજા બનાવમાં ગોડાદરામાં આસ્તીક નગરમાં પાસે રહેતા આલોક ચૌધરીની ૧૮ માસની પુત્રી રીયા વહેલી સવારે ઉલ્ટી સહિતની તકલીફ થઇ હતી. બાદમાં તે અચાનક બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. તેના પિતા ટેક્સટાઇલમાં મજુરી કામ કરે છે.
ત્રીજા બનાવમાં ગોડાદરામાં નીલમનગરમાં રહેતો ૧૭ વર્ષીય છબીરામ સુરેશ ઠાકોર આજે સવારે ઘરમાં ઉલ્ટી થયા બાદ ઝાડા થયા હતા. ત્યારબાદ તેની તબિયત વધુ બગડતા આજે સવારે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં ડોલપુરનો વતની હતો. તે કરીયાણાની દુકાનમાં કામ કરતો હતો. નોધનીય છે કે, સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500