બિહાર વિધાનસભાએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત જાતિઓ માટે અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારી ૬૫ ટકા કરી દીધું છે. આ સાથે જ કુલ અનામતનું પ્રમાણ વધીને ૭૫ ટકા થઇ ગયું છે.
આ પ્રસંગે વિધાનસભાને સંબોધતા મુખ્યપ્રધાન નીતીશકુમારને જણાવ્યું હતું કે આ સાથે જ રાજ્યમાં અનામતનું પ્રમાણ વધીને ૭૫ ટકા થઇ ગયું છે. જેમાં આર્થિક રીતે નબળા લોકો માટેનું ૧૦ ટકા અનામત પણ સામેલ છે. કેન્દ્ર સરકારે કેટલાક વર્ષ અગાઉ આર્થિક રીતે નબળા લોકો માટે અનામત લાગુ કર્યુ છે જેનો અમલ બિહાર સરકારે પણ કર્યો છે.પસાર કરવામાં અનામત બિલ અનુસાર એસટીનું અનામત એક ટકાથી વધીને બે ટકા, એસસીનું અનામત ૧૬ ટકાથી વધીને ૨૦ ટકા, ઓબીસીનું અનામત ૧૨ ટકાથી વધીને ૧૫ ટકા, ઇબીસીનું અનામત ૧૮ ટકાથી વધીને ૨૫ ટકા થઇ ગયુ છે.
આ અગાઉ બિહાર વિધાનસભામાં જાતિ આધારિત સર્વે અને અનામતનું પ્રમાણ વધારવા અંગે ચર્ચા થઇ હતી. આ દરમિયાન નીતીશ અને માંઝી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે અમે નથી માનતા કે બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરી બરાબર થઇ છે. જો વસ્તી ગણતરીના આંકડા ખોટા હશે તો યોગ્ય અને લાયક લોકો સુધી લાભ પહોંચશે નહી.
માંઝીના આ નિવેદનથી નીતિશ ઉશ્કેરાઇ ગયા હતાં. નીતીશે જણાવ્યું હતું કે આ મારી મૂર્ખતા હતી કે મેં માંઝીને મુખ્યપ્રધાન બનાવ્યા હતાં. નીતીશે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન બનાવ્યાના બે મહિનામાં જ પક્ષના લોકોએ મને જણાવ્યું હતું કે માંઝીને મુખ્યપ્રધાન બનાવીને મોટી ભૂલ થઇ છે તેમને હટાવો.ઉલ્લેખનીય છે કે જીતનરામ માંઝી મે, ૨૦૧૪થી ફેબુ્રઆરી, ૨૦૧૫ સુધી નવ મહિના માટે બિહારના મુખ્યપ્રધાન રહ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500