Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી પુરજોશમાં

  • August 29, 2024 

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર અને બરૂડીયાવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડાખુર્દ (હનુમાનભાગડા), લીલાપોર, વેજલપોર, ભદેલી દેસાઈપાર્ટી અને નાનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે આ વિસ્તારોમાં કચરો ફેલાયો હતો. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.


આ વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક જગ્યાએ કચરા અને કાદવના થર જામ્યા હતા. આ વિસ્તારોની તા.૨૭ ઓગસ્ટના રોજ પાણી ઓસરતાની સાથે જ વહીવટીતંત્રના માર્ગદર્શનમાં વલસાડ નગરપાલિકા અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા ૫૮ સફાઈ કામદારોની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૪૭૫ લોકોની તપાસ કરવામાં આવી હતી. રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરીનેશન તેમજ ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ કરાયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગરના ઔરંગા નદીના સુથી નજીક આવેલા હિસ્સામાં તા.૨૮ના રોજ પાણી ઓસર્યા હતા.


પાણી ઓસરતા નદી કિનારે તેમજ આ વિસ્તારમાં પણ કચરા અને કાદવના થરો જામ્યા હતા. રોગચાળો ન ફેલાય અને સ્વચ્છતા જાળવવા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર સંજયભાઈ વાલોદરાની ટીમ દ્વારા સવારથી જ સ્વીપિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નદી કિનારે જમા કચરાને ટ્રેક્ટરોમાં ભરી ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવી રહ્યો છે. સાફસફાઈ કર્યા બાદ આ વિસ્તારોમાં રોગચાળો ન વકરે તે માટે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક પાવડર અને જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગિંગ મશીનથી ધુમાડો કરવામાં આવ્યો હતો. એમ નગરપાલિકા સુપરવાઈઝર વિનયભાઈ ઘરણિયાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application