Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં બસો, સરકારી કચેરીઓ અને અન્ય મિલ્કતોને આગચંપી તથા તોડફોડનાં બનાવમાં 12 કરોડની જાહેર સંપત્તિનું નુકશાન પહોંચ્યું

  • November 02, 2023 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં બસો, સરકારી કચેરીઓ તથા અન્ય મિલ્કતોને આગચંપી તથા તોડફોડના બનાવોથી અત્યાર સુધીમાં જાહેર સંપત્તિનું 12 કરોડનું નુકસાન થયું છે. પોલીસે રાજ્યભરમાં આંદોલનકારીઓ સામે કેસ નોંધવાની શરુઆત કરી છે. અત્યાર સુધીમાં 141 કેસ નોંધાયા છે અને 168 લોકોની ધરપકડ થઈ છે. મરાઠા આંદોલનમાં ગત તબક્કામાં આંદોલનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવાનું સમાધાન આંદોલનના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે થયું હતું. પરંતુ, હવે ફરીથી શરુ થયેલાં આંદોલનમાં પોલીસે સંખ્યાબંધ કેસો નોંધવા માંડતાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ગજગ્રાહનો એક મુદ્દો ઉમેરાયો છે.



રાજ્યના પોલીસ વડા રજનીશ શેઠે જણાવ્યા અનુસાર કુલ નોંધાયેલા કેસોમાંથી સાત કેસ આઈપીસી 307 હેઠળના છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ જાહેર કર્યું હતું કે, રહેણાંક મકાનો તથા એસ.ટી.ને આગ ચાંપવાનો મતલબ ત્યાં રહેતા કે બસમા અવરજવર કરતા પ્રવાસીઓને જીવતા સળગાવવાના પ્રયાસ સમાન ગણાય એટલે આવા કેસોમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવશે. બીડ જિલ્લામાં અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકે તથા એન.સી.પી.ના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરોને આગ ચાંપવામાં આવી હતી.



બીડ જિલ્લામાંથી કરફ્યૂ ઉઠાવી લેવાયો છે. જોકે છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ પર નિયંત્રણો યથાવત છે. બીડ અને જાલનામાં પણ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ છે. બીડ જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સની કૂમકો તૈનાત કરવામાં આવી છે.  આ ઉપરાંત એસઆરપીએફની 17 કંપનીઓ તૈનાત કરાઈ છે. જાહેર સંપત્તિઓને નુકસાના કિસ્સામાં 146 આરોપીઓને સીઆરપીસીની કલમ 41 હેઠળ નોટિસ અપાઈ છે. પુણેમાં પુણે-બેગ્લુરુ રોડ પર સળગતાં ટાયરો મૂકી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે 500 લોકોનાં ટોળાં સામે ગુનો નોંધાયો છે. સિંહગઢ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર પોલીસ એક્ટ તથા અન્ય કાયદાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application