સોનગઢનાં જુના સેલ્ટીપાડા ગામે યુવતીના પિતાને પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી તેમને પ્રેમી યુવકનું ઘર સળગાવી દેતા પંથકમાં ચકચાર મચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુના સેલ્ટીપાડા ગામે રહેતા રવિભાઈ નરેશભાઈ વસાવાનો ગામમાં જ રહેતી યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો પરંતુ યુવતીના પિતા અજીતભાઈ પાડવીને આ પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી તેઓ યુવકના પરિવારને ઘર ખાલી કરી જતા રહેવા ધમકી આપી હતી જેથી યુવકનો પરિવાર ગત તારીખ 29/12/2023ના રોજ ઘર અને ગામ છોડીને નજીકમાં આવેલ ઝરીઆંબા ગામે સંબંધીને ત્યાં રહેવા માટે ચાલ્યા ગયા હતા.
આ દરમિયાન ગામ લોકોએ વચ્ચે પડી યુવતી અને યુવકના પરિવાર વચ્ચે સમાધાન કરાવવા માટે ગત તારીખ 02/01/2024નાં રોજ જુના સેલ્ટીપાડા ગામે આગેવાનો પંચો વગેરેની બેઠક રાખી હતી જેમાં બંને પરિવારના સભ્યો પણ હાજર હતા જોકે આ બેઠકમાં કોઈ સમાધાન થયું નહીં અજીતભાઈ પોતાની છોકરીના લગ્ન રવિભાઈ વસાવા સાથે કરવા સહમત થયા ન હતાં તેથી બેઠક બાદ રવિભાઈ વસાવાનો પરિવાર પરત ઝરીઆંબા ગામે રહેવા માટે ચાલ્યો ગયો હતો. જોકે નરેશભાઈ વસાવાએ પોતાના ઘરની દેખરેખ માટેની જવાબદારી પોતાના કાકા વસંતભાઈ વસાવાને સોંપી હતી.
તે દરમિયાન ગત તારીખ 04/01/2024નાં રોજ વસંતભાઈ યુવકના ઘરે બપોરના અરસામાં આરામ કરી રહ્યા હતા ત્યારે અજીતભાઈ પાડવી ત્યાં આવ્યો હતો અને વસંતભાઈ વસાવાની ઘરમાંથી બહાર કાઢી પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલમાં લાવેલું પેટ્રોલ ઘરમાં છાટી દીવાસળીથી આગ ચાંપી દીધી હતી જેથી ગામના લોકોએ ઘરને આગથી બચાવવાની કોશિશ કરી હતી પરંતુ જોતજોતમાં આખું ઘર બળીને ખાસ થઈ ગયું હતું. જોકે ઘરમાં મુકેલો 20,000/-ની કિંમતનું 50 મણ ભાત રૂપિયા 10/-ની કિંમતનું 10 મણ જુવાર રૂપિયા 1,100/-ની કિંમતના અઢી મણ ઘઉં રૂપિયા 30,000/-ની કિંમતની માછીમારીની જાળ દસ્તાવેજો અને તમામ ઘરવખરી બળી જતા કુલ રૂપિયા 1.41 લાખનું નુકસાન થયું હતું. બનાવ અંગે યુવકના પિતા નરેશભાઈ વસાવા નાએ યુવતીના પિતા અજીતભાઈ પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500