મધ્યપ્રદેશના ઇન્દોરના એક અનાથ આશ્રમમાં બાળકીઓના ઉત્પીડનની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે.ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ તાજેતરમાં લીધેલી અનાથાશ્રમની ઓચિંતી મુલાકાત દરમિયાન આ બાબતનો ઘટસ્ફોટ થયો. ઇન્દોરના વિજયનગર સ્થિત આ અનાથાશ્રમમાં મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશાની ચારથી 14 વર્ષની કુલ 21 બાળકીઓ રહેતી હતી, જેમનું ત્યાંની મહિલા કર્મચારીઓ ઉત્પીડન કરતી હતી. સમગ્ર મામલે પોલીસે અનાથાશ્રમની પાંચ કર્મચારીઓ સામે એફઆઇઆર દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીઓએ કમિટીના અધિકારીઓને જણાવ્યું કે અનાથાશ્રમનો સ્ટાફ નાની નાની ભૂલો બદલ તેમના પર અત્યાચાર ગુજારતો હતો. એક બાળકીએ કમિટીના સભ્યોને જણાવ્યું કે તેમને ઊંધા લટકાવી ગરમ સળિયાથી ડામ અપાતા અને તેમની નિર્વસ્ત્ર તસવીરો ખેંચી લેવાતી હતી. બાળકીઓને લાલ મરચાંનો ધુમાડો સૂંઘવા પણ ફરજ પાડવામાં આવતી હતી. એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે અનાથાશ્રમની ચાર વર્ષની એક બાળકીને પથારીમાં પેશાબ કરી જવા બદલ બે દિવસ સુધી બાથરૂમમાં પૂરી દેવાઈ હતી અને આ દરમિયાન તેને જમવાનું પણ નહોતું અપાયું.
ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની ટીમે ફરિયાદ સાથે બાળકીઓની ઈજાઓની તસવીરો પણ પોલીસને સોંપી હતી. પોલીસે અનાથાશ્રમને તત્કાળ સીલ કરી દીધો છે અને ત્યાંની બાળકીઓને ગવર્મેન્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન હોમમાં ખસેડાઈ છે. અનાથાશ્રમનું સંચાલન વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ કરતું હતું. સુરત, જોધપુર, કોલકાતા અને બેંગલુરુમાં પણ આ ટ્રસ્ટના અનાથાશ્રમો છે. પોલીસના જણાવ્યાનુસાર આઇપીસી તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ દાખલ કરાયેલી એફઆઇઆરમાં અનાથાશ્રમ સાથે જોડાયેલી પાંચ મહિલાઓના નામ છે. હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500