મહારાષ્ટ્ર બોર્ડનું ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ આતુરતાથી ધોરણ-૧૦નાં રીઝલ્ટ જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતાં. જે પ્રતીક્ષા આજે પૂર્ણ થઈ હતી. બોર્ડે બીજી જૂને બપોરે એક વાગ્યે ધોરણ-૧૦નું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં મહારાષ્ટ્ર રાજ્યનું કુલ પરિણામ ૯૩.૮૩ ટકા આવ્યું છે. આ વર્ષે પણ વર્ષોની પરંપરાનુસાર છોકરીઓ અને કોંકણ વિભાગે પોતાનું માથું ઊંચું રાખ્યું છે. ૧૦માં કુલ ૯૨.૦૫ ટકા છોકરાની સરખામણીએ ૯૫.૮૭ છોકરીઓ પાસ થઈ છે તો વિભાગવાર ૯૮.૧૧ ટકા સાથે કોંકણ પ્રથમ અને ૯૨.૦૫ ટકા પરિણામ સાથે નાગપુર છેલ્લાં સ્થાને આવ્યું છે.
પાસ થયેલ કુલ વિદ્યાર્થીઓમાંથી ૪.૫૬ ટકા અર્થાત્ ૬૬,૫૭૮ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા કે તેથી વધુ માર્ક્સ સાથે સફળતા પ્રાપ્ત કરી છે. મહારાષ્ટ્રના કુલ નવ વિભાગમાંથી ૧૫,૪૧,૬૬૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતાં. તેમાંના ૧૫,૨૯,૦૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૪,૩૪,૯૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ ૯૩.૮૩ ટકા આવ્યું છે. જ્યારે રીપીટર્સ વિદ્યાર્થીઓનું કુલ પાસિંગ પરિણામ ૬૦.૯૦ ટકા આવ્યું છે.
રેગ્યુલર પરીક્ષામાં રાજ્યમાં કુલ ૮,૧૪,૧૬૧ છોકરાઓમાંથી ૭,૪૯,૪૫૮ વિદ્યાર્થીઓ પાસ થતાં કુલ પાસ છોકરાઓની ટકાવરી ૯૨.૦૫ ટકા તો છોકરીઓમાં ૭,૧૪,૯૩૫૫માંથી ૬,૮૫,૪૪૦ પાસ થતાં વિદ્યાર્થિનીઓની ટકાવરી ૯૫.૮૭ રહી છે. આથી છોકરાઓની તુલનાએ છોકરીઓનું પરિણામ ૩.૮૨ ટકા વધુ આવ્યું છે. ગયા વર્ષે રાજ્યનું પરિણામ ૯૬.૯૪ ટકા હતું. આ વર્ષે તે ૯૩.૮૩ ટકા આવ્યું છે. અર્થાત્ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામ ૩.૧૧ ટકા ઓછું થયું છે.
છેલ્લે કોરોના પહેલાં ૨૦૨૦માં સામાન્ય નીતિનિયમાનુસાર પરીક્ષા થઈ હતી. ત્યારે બોર્ડનું રીઝલ્ટ ૯૫.૩૦ ટકા આવ્યું હતું. તેની તુલનાએ પણ આ વર્ષે પરીક્ષાનું રીઝલ્ટ ૧.૪૭ ટકા જેટલું ઘટયું છે. દરમ્યાન, મુંબઈ શહેરની વાત કરીએ તો સંપૂર્ણ મુંબઈમાંથી કુલ ૩,૩૫,૧૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૩,૧૩,૮૭૬ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ શહેરનું કુલ પરિણામ ૯૩.૬૬ ટકા આવ્યું છે. જેમાં પણ ૯૧.૯૫.૬ ટકા વિદ્યાર્થીઓ અને ૯૫.૪૯ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.
સૌથી વધુ પરિણામ કોંકણ વિભાગનું ૯૮.૧૧ ટકા તો સૌથી ઓછું પરિણામ નાગપુર વિભાગનું ૯૨.૦૫ ટકા આવ્યું છે. મુંબઈ ૯૩.૬૬ ટકા સાથે ચોથા ક્રમાંકે રહ્યું છે. શુક્રવારે જાહેર થયેલાં ધો.૧૦નાં પરિણામમાં ૬૬,૫૭૮ વિદ્યાર્થીઓ ૯૦ ટકાથી વધુ માર્ક્સ સાથે પાસ થયાં છે. તેમાંથી ૧૫૧ વિદ્યાર્થીઓ એવાં છે કે જેમને પૂરાં ૧૦૦ ટકા માર્ક્સ મળ્યાં છે. જે વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક્સ મળ્યાં છે.
તેમના ગ્રેડ માર્ક વગેરેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ૧૦૦ ટકા પરિણામ લાવનાર વિભાગમાં લાતુર વિભાગ તેની અનોખી પેટર્ન પ્રમાણે આગળ રહ્યું છે. લાતુરમાં ૧૦૮ વિદ્યાર્થીઓ, ઔરંગાબાદમાં ૨૨, અમરાવતીમાં સાત, મુંબઈમાં છ, પુણેમાં પાંચ અને કોંકણમાં ત્રણ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા માર્ક્સ મેળવ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500