પલસાણાનાં કારેલી ગામે રહી મજુરી કામ કરતાં દંપતિને માથાનાં ભાગે તેમજ મોઢાના ભાગે પથ્થર વડે માર મારી ક્રુરતાપુર્વક હત્યા કરી હત્યારાઓ ભાગી છુટયા હતા. જયારે બુધવારે રાત્રે બનેલ આ ઘટના બાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. હત્યાનો ભોગ બનેલા શ્રમિકના સગા ભાણેજ અને તેની પત્નીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે બંનેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં કારેલી ગામે ખેતરમાં 20 વર્ષથી ઝુંપડી બનાવીને રહેતા અને મજુરી કામ કરતા મુળ હલધરૂ ગામના વતની ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.40) તથા તેમની પત્ની રમીલાબેન ઉમેશભાઈ રાઠોડ (ઉ.વ.34) ગત બુધવારે રાત્રે સુતા હતા. ત્યારે અજાણ્યા ઇસમોએ પથ્થર જેવા બોથડ પદાર્થ વડે ઉમેશભાઈ તથા તેમની પત્ની રમીલાબેનનાં માથા અને મોઢુ છુંડી કુરતાપુર્વક હત્યા કરી હતી. આ ઘટના બાદ પલસાણા પોલીસ સહિત સુરત જિલ્લાની એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્વોર્ડ તેમજ એસએસની ટીમો હત્યાના મુળ સુધી પહોચવા માટે કામે લાગી હતી.
આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 10 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યાનો ભોગ બનેલા ઉમેશ સાથે તેનો ભાણેજ વિજય ઉર્ફે લાલુ બાલુભાઇ રાઠોડ (ઉ.વ.28) અને તેની પત્ની શિલા ઉર્ફે કોલી વિજયભાઈ રાઠોડ (બંને રહે.બલેશ્વર ગામ, ગાડી ફળીયુ સોહેલભાઈના ખેતરમાં) રહેવા આવ્યા હતા. તેઓ સાથે જ મજુરી કામ કરતા હતા. હત્યા બાદ આ દંપતી અચાનક ખેતરમાંથી ગુમ થઈ ગયું હતું. જેને લઈ પોલીસને તેમની ઉપર શંકા ગઈ હતી અને પોલીસે બંનેને બારડોલી તાલુકાના પથરાડીયા ગામની હદમાંથી ઝડપી પાડી તેમની પુછપરછ કરતા તેમણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
હત્યાના કારણ વિશે પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ઉમેશની અંદરમાં તેનો ભાણેજ અને તેની પત્ની બંને મજુરી કામ કરતા હતા. હત્યા કરી તે રાત્રે મજુરીના પૈસાનો હીસાબ થયો હતો. જેમાં ઉમેશે તેના ભાણેજને ઓછા રૂપિયા આપ્યા હતા તેમજ ઉમેશ તેના જ ભાણેજની પત્ની ઉપર ખરાબ નજર રાખતો હોવાથી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને ત્યારબાદ જ્યારે ઉમેશ અને તેની પત્ની રમીલા સુઇ ગયા હતા. ત્યારે વિજય અને તેની પત્ની શીલાએ પથ્થર અને લોખંડના સળીયાના ઉપરા છાપરી ઘા મારી બંનેની ક્રુરતાપુર્વક હત્યા કરી નાસી ગયા હતા. પોલીસે આ બંનેની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500