ગણદેવી તાલુકાનાં અમલસાડ ગામે સાઇલીલા અને જલારામ સોસાયટીનાં ચાર બંધ મકાનોમાં ગુરૂવારે મધ્યરાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતાં. જે પૈકી એક મકાનમાંથી ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર અને પેન્ડલ ચોરી ગયા હતાં. જેમાં સાત બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતાં. સ્થળ ઉપરથી પ્રાપ્ત માહિતી અનુસાર અમલસાડ ગામની જલારામ સોસાયટીમાં ત્રણ અને સાઇલીલા સોસાયટીમાં NRIના એક બંધ મકાનનો નકુચો તોડી તસ્કરોએ કસબ અજમાવ્યો હતો.
જેમાં જલારામ સોસાયટીમાં રહેતા રિપલ નાનુભાઇ પટેલ (ઉ.વ.૪૩)નો પરિવાર ઉપરના માળે મીઠી નીંદરે હતો. દરમ્યાન મકાનનો પ્રવેશદ્વાર તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં અને સ્ટીલના બે કબાટ તોડી ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર અને નાનુ પેન્ડલ ચોરી ગયા હદતાં. આજ સોસાયટીમાં રહેતા ઇન્દુભાઇ ભગવાનભાઈ પટેલ (જીઇબી રિટાયર્ડ) અને રીતેશભાઈ ગણપતભાઈ પટેલનાં બંધ મકાનોમાં તસ્કરોએ ઘરવખરી, સામમાન વેરણછેરણ કર્યા હતાં.
બાદ નજીકની સાઇલીલા સોસાયટીમાં એનઆરઆઈ બાલુભાઈ ખાપાભાઇ પટેલના મકાનમાં તસ્કરો પ્રવેશ્યા હતાં. આ દરમ્યાન અમલસાડ માજી સરપંચ નિલેશ નાયકએ પોલીસને જાણ કરી હતી. જે સાથે સોસાયટી સ્થિત સીસીટીવી કેમેરા ફંફોસતા મધ્યરાત્રીએ બુકાનીધારી સાત જેટલા તસ્કરોની ગેંગ નજરે ચઢી હતી. પોલીસે સીસીટીવી આધારે ચોરટાઓનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઈ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500