વાલોડના બુહારી ગામમાં આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવાના સ્થળે બાંધકામ તોડી આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી ઉશ્કેરણી કરવા બાબતે સ્થાનિકો દ્વારા વાલોડના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વાલોડના બુહારી ખાતે આવનાર ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લાના ડોલવણ,મહુવા અને વાલોડ તાલુકાનાં આદિવાસી સમાજના પંચો દ્વારા સાથે મળી પોતાની એકતા અને ધરોહરને કાયમ રાખવા બુહારી ખાતે હર્ષલ્લાસપૂર્વક આદીવાસી દીવસની ઉજવણીનો પ્રોગ્રામ રાખેલ હોય.જેમાં બુહારી ખાતે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ સર્કલ પર આદિવાસીઓના ભગવાન શહીદ ક્રાંતિકારી શ્રી બિરસામુંડાની ભવ્ય પ્રતિમા સંપુર્ણ આદિવાસી વિધી અને પરંપરા સાથે સ્થાપના કરી એ સર્કલને "આદીવાસી એકતા સર્કલ" નામ કરણ કરવાનું સમસ્ત આદીવાસી પંચોની સહસંમતીથી નક્કી કરવામાં આવેલ હોય.
બુહારી સર્કલ પર ધરતી આંબા બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવાનું આયોજન કરેલ હોય પરંતુ કેટલાક ઈસમોને આ પ્રતિમા ન મુકાય તેમાં રસ હોય એમ સર્કલ તોડવા કામગીરી કરવા લાગ્યા હતા, આ કામગીરી દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી,તો આ સર્કલ તોડવાની કામગીરી માટે માર્ગ મકાન વિભાગ પાસે મંજૂરી મેળવવામાં આવી હતી કે કેમ ? તથા પોલીસને સ્થળ પર હાજર રાખવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ ? એવા પ્રશ્નો સ્થાનિક આદિવાસી પંચો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ કામગીરી કરી આદિવાસી સમાજની લાગણીને ઉશ્કેરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું અને આદિવાસીઓ પોતાના વિસ્તારમાં આદિવાસી દિવસની ઉજવણી ન કરે અને વહીવટી તંત્ર સાથે આ ઘર્ષણમાં ઉતરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે એવા આક્ષેપો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે.તેમજ આવું કૃત્ય કરનાર ઇસમો સામે યોગ્ય કાયદેસરના પગલાં લેવામાં આવે એવી માંગ સ્થાનિક આદિવાસીઓમાં ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500