બીલીમોરામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા PSI દિલીપ બ્રહ્મભટ્ટના દોહિત્રએ અમેરિકામાં તેમના સહિત અન્ય બે લોકો પર રાત્રે ઊંઘમાં જ ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. દોહિત્રના આ ખૂની ખેલમાં નાના-નાની અને મામા મળી ત્રણને તેણે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. વર્ષ 1993થી 1995 ત્રણ વર્ષ સુધી બીલીમોરામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી ગયેલ દિલીપ મહોબ્બતસિંહ બ્રહ્મભટ્ટ ખૂબ કડક અધિકારીની છાપ ધરાવતા હતા. ગુનેગારો ગુનો કરતાં પહેલાં સો વખત વિચારતા. તેમની કારકિર્દીમાં તેમણે અનેક ગુનાઓ ઉકેલી અસામાજિક તત્વો ઉપર ધાક બેસાડી દીધો હતો. પોતાના સહકર્મચારી ઓમાં તેઓ ખૂબ પ્રિય હતા તો ગરીબોને આર્થિક મદદ કરવામાં તેઓ પીછેહઠ કદી ન કરતા હતા.
બીલીમોરામાંથી બદલી થયા બાદ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છેલ્લે સુરતના લિંબાયતમાં પી.આઇ. તરીકેની બઢતી સાથે તેઓ નિવૃત્ત થયા હતા. મૂળ આનંદ બાકરોલના વતની દિલીપ મહોબ્બતસિંહ બ્રહ્મભટ્ટ નિવૃત જીવન તેમના બાકરોલ આણંદ ખાતે પત્ની ઇન્દુબેન પુત્રી રીન્કુ અને પુત્ર યશ સાથે વિતાવતા હતા. જોકે પુત્ર યશ બીલીમોરામાં પ્રાથમિક શિક્ષણ મેળવીને ઓસ્ટ્રેલિયા ભણવા ગયો હતો જ્યાં તે અમેરિકામાં સ્થાયી ભારતીય મૂળની યુવતી સાથે સંપર્કમાં આવતા તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પુત્ર યશ અમેરિકા સ્થાયી થયો હતો જ્યાં તેના પિતા અને માતા અવારનવાર પુત્રની પાસે આવજા પણ કરતા હતા. પુત્રી રીંકુના લગ્ન આણંદ ખાતે થયા હતા અને તેના પતિનું ચાર વર્ષ પહેલાં અવસાન થતાં રીંકુ પિતા ના ઘરેજ રહેતી હતી. રીંકુને ઓમ નામ નો એક પુત્ર છે. ઓમને પણ અમેરિકા ભણવા માટે લઇ જવાયો હતો.
આ દરમિયાન કોઈક અગમ્ય કારણોસર દોહિત્ર ઓમ એ તેના નાના દિલીપ બ્રહ્મભટ્ટ, નાની ઇન્દુબેન અને મામા યશને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમના પુત્ર યશના અમેરિકાના ઘરે બે દિવસ પહેલા રાત્રે જ્યારે બધા સુઈ ગયા બાદ પ્રથમ દિલીપ બ્રહ્મભટ્ટ ઉપર નજીકથી ફાયરિંગ કરી તેમણે મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની નાની ઇન્દુબેન અને મામા યશ ઉપર પણ ઊંઘમાંજ ફાયરિંગ કરી તેઓના ઢીમ ઢાળી દીધા હતા. ઓમ એ કયા કારણસર આ હીચકારૂ પગલું ભર્યું તેની કોઈ જ સ્પષ્ટતા હજી થઈ નથી પણ હસતા રમતા પરિવારને પરિવારના 23 વર્ષીય યુવાને જ વેર વિખેર કરી નાંખ્યો હતો. આ સમાચારથી તેમના વતન આણંદ બાકરોલમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પુત્રી રીંકુના પુત્ર ઓમ એ કાયા કારણોસર આ કૃત્ય કર્યું તે બનાવથી પોતે સ્તબ્ધ થઈ ગઈ છે. હાલ તે તેના પિતાના ઘર આણંદમાં જ હોવાનું જાણવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500