ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભવાનદગડ ગામ ખાતે વ્હેમ રાખી મહિલા GRD પર પતિએ કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલા GRDને જમણા ખભા પર ગંભીર ઈજા પહોંચતા તેણીને તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આહવા ખાતે ગ્રામ રક્ષક દળ તરીકે ફરજ બજાવતી રંજીતાબેન સંજયભાઈ પવાર (રહે.ભવાનદગડ, તા.આહવા, જિ.ડાંગ, મૂળ રહે.પિંપરી, તા.આહવા, જિ.ડાંગ) પર તેના જ પતિ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે.
પતિ સંજયભાઈ સોનીરાવભાઈ પવારએ પોતાની પત્ની રંજીતા બીજા પુરુષ સાથે મોબાઇલમાં વાતચીત કરતી હોય તેવો શક વહેમ રાખી પિંપરીથી ભવાનદગડ ગામે બસ સ્ટેશન પાસે આવી અચાનક પોતાની પત્ની ઉપર કુહાડીથી જમણા ખભા ઉપર હુમલો કર્યો હતો. જેમાં જી.આર.ડી. મહિલા રણજીતાબેનને જમણા ખભાનાં ભગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ પતિ સંજય દ્વારા તેણીને ઢીક્કા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવમાં મહિલા જી.આર.ડી.ને ગંભીર ઈજા પહોંચતા તેણીને તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલા જી.આર.ડી.એ પતિ વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આહવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500