Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય સ્તરની સ્કીલ ઇન્ડિયા કોમ્પીટીશન પરીક્ષામાં આઇ.ટી.આઇ. સ્તરે વડોદરાના પાર્થ મોરેનો દબદબો

  • July 28, 2022 

દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણ પાછળ થતો ખર્ચ લગભગ બમણો કરીને કૌશલ્યવર્ધન પર પૂરતું ધ્યાન આપ્યું છે, ત્યારે વડોદરાના આઇ.ટી.આઇ., તરસાલીના તાલીમાર્થી પાર્થ એલ. મોરે એ રાષ્ટ્રીય સ્તરની સ્કીલ ઇન્ડિયા કોમ્પીટીશન પરીક્ષામાં રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંક લાવીને સરકારની આ નેમને ચરિતાર્થ કરી છે.



આઇ.ટી.આઇ., તરસાલીના ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક-૭૬/એ બેચના તાલીમાર્થી પાર્થ મોરેએ સ્કીલ ઇન્ડિયા કોમ્પીટીશન પરીક્ષામાં ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ વિષય પર રાજ્યસ્તરે પ્રથમ નંબર મેળવીને પોતાના પરિવાર, સમાજ, સંસ્થા સહિત સંસ્કારી નગરી વડોદરાનું રાજ્યભરમાં ગૌરવ વધાર્યું છે. વિશાખાપટ્ટનમ ખાતે આ વર્ષના ફેબ્રુઆરી/માર્ચ મહિનામાં એક સપ્તાહ સુધી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા પરીક્ષા ચાલી હતી. જેમાં ૩ દિવસ પ્રાયોગિક સત્ર, ૨ દિવસ પ્રાયોગિક સંબંધિત મૌખિક કસોટી લેવાઇ હતી અને અંતિમ દિવસે ઇન્ટરવ્યૂ પ્રકારના સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.



હાલ અમદાવાદની ગર્વમેન્ટ પોલીટેકનિકમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષયમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા પાર્થ મોરેએ જણાવ્યું કે, “આ અંતિમ દિવસનું ઇન્ટરવ્યૂ અઘરું હતું. એક સપ્તાહની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા પરીક્ષા પૂર્ણ કર્યા બાદ હું પરિણામને લઇને ખૂબ ઉત્સાહી હતો. ૨૦ જુલાઇ ૨૦૨૨ ના દિવસે જ્યારે આ સ્પર્ધાનું પરિણામ આવ્યું અને મને સ્ટેટ લેવલ પર પ્રથમ ક્રમાંક મળ્યો, ત્યારે જાણે જીવનમાં કંઇક અસાધારણ સિદ્ધ કરી લીધું હોય તેવી અપાર ખુશહાલી હતી”. એક તરફ આવી ઝળહળતી સિદ્ધિ અને બીજી તરફ સરકારશ્રી તરફથી રૂ. ૨૫,૦૦૦ નું ઇનામ મળતા મોરે પરિવારમાં બેવડી ખુશીની લહેર ફરી વળી છે.



આ સિદ્ધિ અને સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન મળતા તેનામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને હવે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંક લાવવાનો લક્ષ્ય બનાવ્યો છે. આ માટે પાર્થ તનતોડ મહેનત કરે છે. ૨૧ વર્ષીય પાર્થ મોરેના પિતાએ પણ આઇ.ટી.આઇ.નો અભ્યાસ કર્યો છે અને હાલ ખાનગી કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. પાર્થે જણાવ્યું કે, “તેમને પહેલાથી જ સ્પર્ધામાં ભાગ લેવાની રૂચિ છે. તે હાર-જીતની ચિંતા ક્યારેય નથી કરતો“. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમણે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, “મારા પરિવારમાં કોઇએ ધો. ૧૨ પણ પાસ નથી કર્યું, ત્યારે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરીને હું મારા પરિવારને વધારે ગૌરવવંતુ કરવા માગું છું”. તેમણે માર્ચ-૨૦૧૯માં ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી, જેમાં તે ૪૦% માર્ક્સ સાથે ઉતીર્ણ થયો હતો. જો કે આ દરમિયાન આઇ.ટી.આઇ. અભ્યાસમાં ૧ વર્ષ પૂર્ણ થઇ જતા, તેમણે આઇ.ટી.આઇ.નો અભ્યાસ પૂર્ણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.



પાર્થ મોરે જણાવે છે કે, “વર્ષ-૨૦૧૮માં આઇ.ટી.આઇ., તરસાલીમાં પ્રવેશ લીધા બાદ, વર્ષ-૨૦૧૯માં પ્રથમ વખત આઇ.ટી.આઇ.ના ઇન્સ્ટ્રક્ટર દ્વારા આ સ્પર્ધા માટે પરીક્ષા લેવાઇ હતી. અને ત્યારબાદ નવેમ્બર-૨૦૨૧માં તાલુકા અને જિલ્લા સ્તરે કોરોનાકાળના કારણે વર્ચ્યુઅલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર તબક્કો પસાર કરીને તેમણે ગાંધીનગરમાં રાજ્ય સ્તરની ત્રણ દિવસીય મૌખિક કસોટીમાં જ્વલંત સફળતા મેળવી હતી. અને ત્યારબાદ ગુજરાતમાંથી રાજકોટના રવિ વસાવા અને વડોદરાના પાર્થ મોરે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા પરીક્ષામાં ભાગ લેવા માટે સરકારશ્રીના ખર્ચે વિશાખાપટ્ટનમ ગયા હતા“.  



પોતાના પરિવાર સાથે આઇ.ટી.આઇ., તરસાલીનું નામ પણ રોશન કરવા બદલ તેમનું સંસ્થાના આચાર્ય દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.  તેમજ ભવિષ્યમાં ખૂબ જ સફળતા મેળવે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાત રાજ્યના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ  પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વવાળી ગુજરાત સરકાર કામ કરી રહી છે. જેના થકી રાજ્યના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉઘડ્યા છે. એક તરફ સરકારની મક્કમતાના કારણે કુશળ માનવબળ તૈયાર થઇ રહ્યું છે, તો બીજી તરફ સરકારની પ્રોત્સાહક નીતિ અને ઇનામોના કારણે આ કુશળ માનવબળ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application