સમગ્ર ભારતમાં છેલ્લા ઘણા સમયથી મોનસુનની રાહ જોવામાં આવી રહી હતી. જોકે હવે IMDએ આ બાબતે જાહેરાત કરી દીધી છે એટલે હવે ચોમાસાની ધમાકેદાર શરૂઆત શરૂ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં કેરલમાં વિધિવત ચોમાસાનું આગમન થશે. IMDએ કહ્યું છે કે, આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જશે. હાલમાં ચોમાસા માટેની અનુકુળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ગત રવિવારનો રોજ કેરળમાં ચોમાસુ બેસવાની ધારણા હતી, પરંતુ તેની શરૂઆત થઈ નહોતી.
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ચોમાસાની શરૂઆત માટે હજુ ત્રણ-ચાર દિવસ વધુ રાહ જોવી પડશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં તારીખ 1 જૂને બેસી જાય છે અને તેની શરૂઆત સાત દિવસ પહેલા અથવા સાત દિવસ પછી થાય છે. ભારતીય હવામાન વિભાગે મે મહિનામાં કહ્યું હતું કે, તારીખ 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતા રહેલી છે. IMDએ રવિવારના રોજ એક નિવેદન આપતા કહ્યું હતું કે, દક્ષિણ અરબ સાગરની ઉપર પશ્ચિમી હવાઓમાં વધારો જોતા ચોમાસા માટે સ્થિતિ અનુકુળ થઈ રહી છે. આ સાથે પશ્ચિમી હવાઓની ઊંડાઈ પણ ધીરે- ધીરે વધી રહી છે. અને 4 જૂનનાં રોજ પશ્ચિમી પવનોની ઊંડાઈ સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિ.મી. ઉપર પહોંચી ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500