લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, દેશના ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. તેમના બંગલા, ગાડીઓ બધું જ વેચી દેવાશે. સરકારી તિજોરીઓમાં ભેરલા કાળા નાણાં પણ ગરીબોને આપી દેવામાં આવશે. આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. મારે મારા માટે કે મારા પરિવાર માટે કશું કરવાનું નથી. મારો પરિવાર તો આ દેશના લોકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભા ચૂંટણી પહેલા વિદેશમાંથી કાળુ નાણું પાછું લાવીને ગરીબોના ખાતામાં રૂ.15 લાખ આપવાનું વચન આપ્યું હતું.
છેલ્લા 10 વર્ષમાં વિપક્ષે આ મુદ્દે પીએમ મોદીની અનેક વખત મજાક ઉડાવી છે ત્યારે હવે આ લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા કાળા નાણાંથી ભરેલી સરકારી તિજોરીઓના રૂપિયા ગરીબોને આપી દેવા વિચારણા ચાલતી હોવાનું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. ઝારખંડના જમશેદપુરમાં વડાપ્રધાને કહ્યું કે, ઝારખંડ જેવું રાજ્ય ખનીજ સંપત્તિમાં એટલું ધનિક છે કે તમે કલ્પના કરી શકો નહીં. છતાં અહીં ગરીબી છે. દુર્ભાગ્યથી ઝારખંડનું નામ સાંભળતા જ નોટોના પહાડનું દૃશ્ય યાદ આવે છે. ઝારખંડમાંથી નોટોના જે પહાડ જપ્ત કરવામાં આવ્યા છે એ રૂપિયા ગરીબોને પાછા આપી દઈશ. તેના માટે કાયદાકીય સલાહ લેવાઈ રહી છે.
રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતાં મોદીએ કહ્યું કે, શેહઝાદા જે રીતે માઓવાદી ભાષાનો ઉપયોગ કરે છે તેના કારણે ઉદ્યોગપતિઓ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રોકાણ કરતા પહેલાં 50 વખત વિચાર કરશે. રાહુલ ગાંધી નવીન પદ્ધતિથી ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માગી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના શેહઝાદાની ઉદ્યોગપતિઓ વિરોધી ભાષા સાથે તેઓ સંમત છે કે કેમ તેનો જવાબ આપવા પડકાર ફેંક્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર પર તુષ્ટીકરણનો આક્ષેપ કરતા નરેન્દ્ર મોદીએ પુરુલિયામાં જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ વોટ બેન્કના તુષ્ટીકરણ માટે રામકૃષ્ણ મિશન, ભારત સેવાશ્રમ સંઘ અને ઈસ્કોન જેવી સંસ્થાઓને ધમકાવી રહી છે.
તૃણમૂલ શાલીનતાની બધી જ હદો પાર કરીને ઈસ્કોન, રામકૃષ્ણ મિશન તથા ભારત સેવાશ્રમ સંઘ વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી તેમને ખુલ્લા મંચ પરથી ધમકી આપી રહ્યાં છે. તેઓ માત્ર તેમની વોટ બેન્કને ખુશ કરવા માટે ધમકી આપી રહ્યા છે. મમતાએ મુસ્લિમ કટ્ટરપંથીઓના દબાણમાં દેશના સાધુ અને સંતો પર હુમલા કર્યા છે. નોંધનીય છે કે, મમતા બેનરજીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘના કેટલાક સાધુ-સંતો દિલ્હીમાં ભાજપ નેતાના પ્રભાવમાં કામ કરી રહ્યા છે. મમતાએ સંદેશખલીમાં મહિલાઓના અત્યાચારનો મુદ્દો પણ નકારી કાઢ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500