પુણેમાં ઇલેક્ટ્રીક હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળતા દુકાનદાર તેમની પત્ની, 13 અને 15 વર્ષના બે પુત્રના મોત નિપજ્યા હતા. આ પરિવાર સૂતો હતો ત્યારે ઉંઘમાં જ કાળનો કોળીયો બની ગયો હતો. ઘટના અંગે પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પિંપરી-ચિંચવડના ચીખલી વિસ્તારમાં પૂર્ણા નગર ખાતે પૂજા હાઇટ્સ બિલ્ડીંગમાં આવેલી દુકાનમાં સવારે 5.25 વાગ્યે આ ઘટના બની હતી એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
મૂળ રાજસ્થાનનો પાલીનો ચિમણારામ ચૌધરી (ઉ.વ.48) તેના પરિવાર સાથે અહીં રહેવા આવ્યો હતો. થોડા મહિના પહેલા તેમણે ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાન ચાલુ કરી હતી. તેઓ દુકાનમાં માળીયા પર રહેતા હતા. તેઓ બે-ત્રણ દિવસ પ્રવાસ પર ગયા હતા. તેઓ ગતરોજ રાતે પાછા આવ્યા હતા. રાતે જમ્યા બાદ ચિમણારામ તેની પત્ની નમ્રતા (ઉ.વ.40), બે પુત્ર ભાવેશ (ઉ.વ.15), સચિન (ઉ.વ.13) દુકાનમાં સૂતા હતા. ત્યારે વહેલી સવારે આગ લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક સામગ્રી હતી.
આગ ઝડપથી પ્રસરી જતા આ પરિવાર બહાર આવી શક્યો નહોતો. આગથી અને ગુંગળામણે ચાર જણના મૃત્યુ થયા હતા. દુકાનમાંથી ધૂમાડા બહાર આવતા સ્થાનિક લોકોને બનાવની જાણ થઇ હતી. ફાયર બ્રિગેડને આની જાણ કરવામાં આવી હતી. અગ્નિશામક દળના જવાનોએ આગને કાબૂમાં લીધા બાદ ચારના મૃતદેહ દુકાનમાંથી બહાર કાઢયા હતા. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી. જયારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાની શંકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500