Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની માનવતા : અસ્થિર મગજના યુવકનો કબ્જો લઈ તેના પરિવારને સોંપ્યો

  • February 03, 2021 

મૂળ રાજસ્થાનના પાલી જીલ્લા નો એક યુવક અસ્થિર મગજનો હોય જુદાજુદા સ્થળે ફર્યા બાદ ગુરુવારે ઉકાઈ ખાતે કોલસો ખાલી કરવા આવેલ ટ્રેનમાં બેસી ઉકાઈ પહોંચી ગયો હતો. આ સંદર્ભે ઉકાઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સદર ઈસમને કબ્જો લઈ એના મૂળ વાલી વારસો સાથે મેળવી આપ્યાની માનવીય અભિગમ સાથેની કામગીરી બજાવી હતી.

 

 

 

તાપી જીલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર તથા નાયબ પોલીસ વડા આર.એલ.માવાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકિત સાર્થક કરવાના પ્રયાસમાં ઉકાઈ પોલીસે એક અસ્થિર મગજના યુવકને એના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત 28/01/2021 રોજ ઉકાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં અન્ય રાજયોમાંથી કોલસા ભરી થર્મલ પાવર સ્ટેશનમાં ખાલી કરવા આવતી કોલસાની ટ્રેનમાંથી એક અસ્થિર મગજનો ઈસમ મળી આવેલ હોવાની હકિકત થર્મલ પાવર સ્ટેશનના CISFના જવાનો દ્વારા ઉકાઈ પોલીસને જણાવવામાં આવી હતી.

 

 

 

આ અંગે  ઉકાઈ પો.સ્ટે.ના પો.સ.ઈ. પી.વી.ધનશાએ ઉકાઈ પો.સ્ટે.માં ફરજ બજાવતા અ.હે.કો.સંજયભાઈ જમસાભાઈ તથા પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઈ તેમજ બીજા પોલીસ કર્મચારીઓને સ્થળ ઉપર મોકલી આપી તપાસ કરવા જાણ કરી હતી. થર્મલ પાવર સ્ટેશને પહોંચેલા પોલીસ કર્મચારીઓ એ ઈસમને જોતા એ અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું અને ભૂખ્યો તરસ્યો પણ હોવાનું લાગ્યું હતું. પોલીસ કર્મચારીઓએ આ ઈસમને પોતાની સાથે લઇ ગયા બાદ એની જમવાની વ્યવસ્થા કરી બાદમાં પ્રેમપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. આ ઈસમ માત્ર રાજસ્થાની દેહાતી જેવી ભાષા બોલતો હોય પોલીસે નજીકમાં રહેતા રાજસ્થાની ભાષા જાણતા લોકોને બોલાવી એ શું કહેવા માંગે છે એ તપાસ કરી હતી.

 

 

 

આ અસ્થિર મગજના યુવકને માત્ર પોતાનું ગામનું નામ નિમલીબ્રાહ્મણા હોવાનું જ યાદ હતું. ગામના નામના આધારે પોલીસ ખંતપૂર્વક રાજસ્થાનનો જીલ્લા અને તાલુકો સર્ચ કરતા આ ગામ રોહત પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાનું શોધી કાઢ્યું હતું.ઉકાઈ પોલીસે ત્યાંની પોલીસનો સંપર્ક કરી અસ્થિર મગજના યુવકના ફોટા વોટ્સએપના માધ્યમથી ત્યાં મોકલી આપ્યા હતા ત્યાંથી આ યુવકનું નામ જાગારામ ઠાકોરરામ દેવાસી(28)(રહે,નિમલી બ્રાહમણા,તા.રોહત,જી.પાલી,રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું.

 

 

 

રાજસ્થાનની પોલીસે પણ આ યુવકના વાલીવારસોને શોધી ગુમ થનાર યુવક તાપી જીલ્લાના ઉકાઈ પોલીસ મથકે હોવાની જાણકારી આપી હતી. રાજસ્થાનથી યુવકને લેવા માટે 29/01/21ના રોજ સાંજના સમયે એના પરિવારજનો દોડી આવ્યા હતા અને ઉકાઈ પોલીસે આ યુવકને સહી-સલામત એના પિતા અને પરિવારજનોને સોંપી દેતા એઓ ગદગદ થઇ ગયા હતા અને પોલીસનો આભાર માની રાજસ્થાન તરફ જવા પ્રયાણ કર્યું હતું. આમ આ બનાવમાં ઉકાઈ પોલીસ સ્ટેશન દ્વારા માનવીય સંવેદના સાથેની કામગીરી કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application