લાહૌર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં દેશદ્રોહનાં કાયદાને ખતમ કરી દીધો. કોર્ટે તેને મનસ્વી ગણાવતા રદ કરી દીધો. લાહૌર હાઈકોર્ટનાં જસ્ટિસ શાહીદ કરીમે દેશદ્રોહ સંબંધિત પાકિસ્તાન પિનલ કોડ (પીપીસી)ની કલમ 124-Aએ રદ જાહેર કરી હતી. દેશનાં અનેક નાગરિકોની અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. અરજીઓમાં દેશદ્રોહના કાયદાને એ આધાર પર પડકારવામાં આવ્યો હતો કે સરકારે તેનો ઉપયોગ તેના વિરોધીઓ સામે કર્યો છે.
દેશદ્રોહ કાયદા પર સેલમન અબુઝર નિયાઝી અને અન્ય લોકોની અરજીઓ સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો. અરજીઓમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ સામે દેશદ્રોહની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવાને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ કરીમ, જેમણે દેશદ્રોહના કાયદાને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, તે જ ન્યાયાધીશ છે જેમણે 2019માં પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફને દોષિત ઠેરવ્યા હતા અને 2007માં બંધારણને બદલવા બદલ રાજદ્રોહના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી.
અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે, દેશદ્રોહનો કાયદો 1860માં ઘડવામાં આવ્યો હતો જ્યારે તે બ્રિટિશ શાસન હતું. આ કાયદાનો ઉપયોગ ગુલામો માટે થતો હતો, જેના હેઠળ તેઓ કોઈની પણ વિરુદ્ધ કેસ દાખલ કરી શકતા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ તેમ છતાં શાસકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કલમ 124-A લગાવવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500