Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તારીખ 12 સપ્ટેમ્બર સુધી રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

  • September 05, 2023 

ગુજરાતમાં જુલાઈ સુધી સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયો છે. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના પાંચ દિવસમાં વરસાદની કોઈ જ આગાહી નહીં હોવાથી ખેડૂતો ચિંતિત થયાં છે. પરંતુ હવે ફરીવાર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.



જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં તારીખ 5મી સપ્ટેમ્બર સુધીમાં 81.85 ટકા વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ હોવા છતાં રાજ્યના 21 જિલ્લામાં 91 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ ઓગસ્ટમાં વરસાદ રોકાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89 ટકા વરસાદની ઘટ પડી છે.



પોરબંદરમાં 99 ટકા ઓછા વરસાદ સાથે રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. રાજ્યમાં કચ્છમાં 136.19, ઉત્તર ગુજરાતમાં 67.96, મધ્ય ગુજરાતમા 66.19, સૌરાષ્ટ્રમાં 110.12, દક્ષિણ ગુજરાતમાં 73.74 ટકા વરસાદ થયો છે. સરદાર સરોવર સહિત રાજ્યનાં 207 જળાશયોમાં ઓગસ્ટના અંતે કુલ 76.60 ટકા જળસંગ્રહ થયો છે. તે પૈકી 70.72 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. અન્ય ઝોનના ડેમની સ્થિતિની વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 74.27 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45.36 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 76.33 ટકા, કચ્છના 20 ડેમમાં 62.37 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.93 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે સરદાર સરોવરમાં હાલ 84.05 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે ડેમની વોર્નિંગની વાત કરીએ તો હાલ રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 90 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટરાથી વધુ ભરાયેલા 25 ડેમ એલર્ટ પર છે. 70 ટકાથી વધુ ભરાયેલા 17 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે 74 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application