ડાંગ જિલ્લામાં પડી રહેલ વરસાદ સાથે જ ઉપરવામાં પણ ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે તેમજ ધસમસતા પાણીને કારણે જિલ્લામાં 20થી વધુ નાના મોટા કોઝ-વે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે.
જ્યારે સામન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ પશુના પણ મૃત્યુ નોંધાયા છે. સતત વરસાદને લીધે જિલ્લાનાં અંતરિયાળ વિસ્તરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ વરસાદને પગલે જિલ્લાના 20 જેટલા લો લેવલ કોઝ-વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
વહીવટી તંત્રે દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગોને બદલે, તંત્રએ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લાનાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલ ઘોડાપૂરને લીધે 20 જેટલા લોલેવલનાં કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યા હતા.
જેમાં મુખ્ય સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સાથે દુલધા, કરંજપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો અવરોધાતા ડાંગ જિલ્લાનાં હાજારો માણસો અટવાઈ પડ્યા હતા. ગીરા નદીમાં અચાનક આવેલ ઘોડાપૂર ને કારણે અટવાઈ પડેલ લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે મહિલાઓ અને બાળકોએ નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500