Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારષ્ટ્રમાં આજથી કડાકાભડાકા સાથે ભારે વરસાદ વરસે તેવી સંભાવના

  • September 07, 2023 

મહારાષ્ટ્રના 33 જિલ્લામાં વીજળીના પ્રચંડ કડાકાભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે. મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન શહેર અને પરા વિસ્તારમાં હળવી-મધ્યમ વર્ષા થવાની શક્યતા છે. જ્યારે તારીખ 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન હળવી-મધ્યમ વર્ષા સાથે ભારે ગાજવીજનો માહોલ સર્જાય તેવી શક્યતા છે. 2023ના ચોમાસાના જૂન અને જુલાઇ દરમિયાન મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં રસતરબોળ વરસાદ વરસ્યો છે. મુંબઇમાં મોટાભાગનાં જળાશયોમાં પણ વિપુલ જળ રાશિ જમા થઇ છે.



આમ છતાં ઓગસ્ટમાં મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રનું ગગન કોરુંધાકોર રહ્યું હોવાથી રાજ્યના 16 જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો છે. પરિણામે રાજ્યના આ તમામ 16 જિલ્લામાં ખેતીના પાકને પણ નુકસાન થયું હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાના પુણે કેન્દ્રના ડાયરેક્ટરએ જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરના વાયવ્ય અને તેના નજીકના હિસ્સામાં હવાના હળવા દબાણ (લો પ્રેશર)નું કેન્દ્ર સર્જાયું છે. જેથી આવતા બે-ત્રણ દિવસ દરમિયાન લો પ્રેશરની તીવ્રતા વધે તેવી શક્યતા છે સાથોસાથ ઓડીશા અને તેના નજીકના ગગનના 7.6 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની ભારે અસરથી મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તાર સહિત અન્ય વિસ્તારો પર ભેજનો વિપુલ જથ્થો ઠલવાશે.



પરિણામે આજથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાનું બીજું ચક્ર શરૃ થવાની પૂરી શક્યતા છે. હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો છે કે તારીખ 7થી 10, સપ્ટેમ્બર દરમિયાન કોંકણ (પાલઘર, થાણે,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં વીજળીના પ્રચંડ કડાકાભડાકા, તીવ્ર પવન સાથે ભારે વરસાદ(યલો એલર્ટ) વરસે તેવી સંભાવના છે. સાથોસાથ તારીખ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, ધુળે, નંદુરબાર, પુણે, જળગાંવ, અહમદનગર,સતારા), મરાઠવાડા (છત્રપતિ સંભાજી નગર, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર, ધારાશિવ), વિદર્ભ (અકોલા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોળી, ગાંદિયા, નાગપુર, વર્ધા, વાશીમ,યવતમાળ)માં પણ વીજળીના કડાકા, પ્રચંડ મેઘગર્જના, તીવ્ર પવન સાથે મુશળધાર વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘૂમરાઇ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application