Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી : મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

  • August 27, 2024 

રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે રાજ્યમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.


આ ઉપરાંત આજે સવારે 6.00 થી 10.00 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.


વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 7 ઈંચથી વધુ, અન્ય 11 તાલુકામાં 6 ઈંચથી વધુ, 16 તાલુકામાં 5 ઈંચથી વધુ, 25 તાલુકામાં 4 ઈંચથી વધુ, 40 તાલુકામાં 3 ઈંચથી વધુ, 37 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 35 તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.


આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 251 તાલુકામાં સરેરાશ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા  મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application