Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી : મૂશળધાર વરસાદને લીધે અનેક નદીઓમાં ઘોડાપૂર

  • July 01, 2023 

વરસાદે શરૂઆતથી જ ધમાકો બોલાવી દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. તેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક સ્થળોએ વિશાળ શિલાઓએ રસ્તાઓ બંધ કરી દીધા છે. માર્ગો નદીઓમાં પલટાઈ ગયા છે. આસમાની આફતે તેવો તો કેર વરસાવ્યો છે કે અસંખ્ય વિસ્તારો જળબંબાકાર વ્યાપી ગયા છે. સાથે પુના સ્થિત મુખ્ય હવામાન કચેરી અને દિલ્હી સ્થિત આઈ.એમ.ડી.ની પ્રાદેશિક ઓફિસે ચેતવણી ઉચ્ચારી છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ થવા સંભવ છે.


હવામાન વિભાગે કેટલાયે પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની પણ ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક દિવસો પૂર્વે મંડી અને સીમલામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ હતી. મૂશળધાર વરસાદને લીધે અનેક નદીઓમાં પૂર-ઘોડાપૂર આવ્યાં છે. ગુજરાતનાં જૂનાગઢમાં તો ધોધમાર વરસાદ થતાં કોઈપણ જળપ્રવાહની ઝપટમાં આવી જાય તો કેટલાયે કી.મી. દૂર ખેંચાઈ જાય તેમ છે. જૂનાગઢ પાસેનો વિલિગ્ડન-ડેમ ઓવર ફલો થવાથી શહેર જળબંબાકાર બની ગયું છે. ગુજરાતના કેટલાયે વિસ્તારોમાં તો વર્ષા મુશ્કેલી નહીં મોત બનીને આવી છે.


હાલોલ તાલુકાના ચંદ્રપુરા ગામમાં એક દિવાલ ધસી પડતાં ૪ બાળકોનાં મૃત્યુ થયા છે, અન્ય ૪ને ઈજાઓ થઈ છે, તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગુજરાતમાં સુરતની સ્થિતિ પણ જૂનાગઢ જેવી છે. સમગ્ર શહેર ડૂબાડૂબ બની ગયું છે, મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બિહારના સમસ્તીપુર જિલ્લાના નામાપુર ગામમાં બાગમતિમાં પૂર આવતાં રેતીની થેલીઓ આડી મુકવામાં આવી છે, છતાં પ્રવાહ એટલો જોરદાર છે કે તે રેતીની થેલીઓ પણ કેટલો બચાવ કરી શકશે તે શંકા છે. પશ્ચિમ આસામનાં બસા બારપેટા જિલ્લા પર વર્ષા-તાંડવ ચાલી રહ્યું છે.


૪ હજારથી વધુ લોકોને અસર પહોંચી છે. પાક નાશ પામતાં ખેડૂતો લગભગ પાયમાલ થઈ ગયા છે. રાજ્યના ૧૨ જિલ્લાઓ જળબંબાકાર થયા છે, સેંકડો ગામ જળમગ્ન છે. હજી સુધીમાં ૭ના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ૮૨ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આ પરિસ્તિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોની ચિંતા તે છે કે હવે જો આગામી ૨૪ કલાકમાં ફરી ધોધમાર વર્ષા થશે તો જાન-માલ અને પશુધનને કઈ રીતે બચાવી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application