ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. જયારે બીજી બાજુ સૂકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જેને પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેનાં પાણી તંગી પણ દૂર થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19.51 ઈંચ સાથે સીઝનનો 58.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે છાંટા પડી રહ્યા છે. વરસાદી વાતાવરણને કારણે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં છે. અમદાવાદમાં સવારથી બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ રખિયાલ, ગોમતીપુર, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ગોળલીમડા, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાના સંકેતો પણ હવામાન વિભાગે આપ્યા છે. સવારથી અમદાવાદમાં સરખેજ, સનાથલ, નવાપુરા, બાકરોલ વિસલપુર અને કાસિન્દ્રા સહિત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 137 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં બોડેલીમાં સાડાચાર ઈંચ, વાઘોડિયામાં ત્રણ ઈંચ, વડોદરામાં બે ઈંચ, સંખેડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તિલકવાડા, પાદરા અને કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, તમામ 33 જિલ્લાના 137 તાલુકામાં મેઘમહેર થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500