ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વિપુલ પ્રમાણમાં નવા નીર આવતા ડેમ ૮૬.૭૯ ટકા જેટલો ભરાઈ ગયો છે અને હજુ પણ ડેમમાં ૧,૦૨ લાખ ક્યુસેક ઉપરાંત પાણીની આવક ચાલુ રહેતા આજે રાત્રે આઠ વાગ્યે ઉકાઈડેમની સપાટીમાં વધુ એક ફુટનો વધારો થવાની સાથે સપાટી ૩૩૯.૪૫ ફુટે પહોચી હતી .
જે સપાટી જેના રૂલ લેવલ ૩૪૦ ફુટ કરતા માત્ર અડધો ફુટ દુર છે અને બીજીબાજુ હથનુર ડેમમાંથી ૫૬ હજાર અને પ્રકાશા ડેમમાંથી ૧,૧૬,૪૯૩ ક્યુસેક પાણી છોડાઈ રહ્યા છે જે પાણીનો જથ્થો ઉકાઈડેમમાં ઠલવાવાને કારણે સપાટીમાં વધારો થવાને કારણે તંત્રવાહકો દ્વારા ડેમની સપાટીનું રૂલલેવલ મેઈન્ટેન કરવા માટે આજે બપોરના એક વાગ્યાથી ડેમમાંથી ૨૨,૬૯૨ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરવામાં આવી છે અને આ પાણીનો જથ્થો તબક્કાવાર રીતે એક લાખ ક્યુસેક સુધી લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઉકાઈડેમને અસર કરતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગેજ સ્ટેશનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે જેના પગલે હથનુર અને પ્રકાશા ડેમની સપાટીમાં સતત વધારો થતા ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે.
આ પાણીનો ફ્લો ઉકાઈડેમમાં આવતા ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીર આવી રહ્ના છે. આજે રાત્રે આઠ વાગ્યાની વાત કરવામાં આવે તો ડેમની સપાટી ૩૩૯.૪૫ ફુટે પહોચી છે અને ડેમમાં ૧,૦૨,૦૫૩ ક્યુસેક પાણીનો ઈનફ્લો નોધાયો છે. સપાટી તેના રૂલ લેવલ ૩૪૦ ફુટથી માત્ર અડધો ફુટે દુર છે. અને બીજી તરફ હથનુર ડેમ સપાટી ૨૧૦.૯૩ મીટરે પહોચતા ડેમમાંથી ૫૬ હજાર અને પ્રકાશા ડેમની સપાટી ૧૦૮.૪૦ મીટરે પહોચતા ૧,૧૬,૪૯૩ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરવામાં આવી છે.
આ પાણીનો જથ્થો ઉકાઈ ડેમમાં આવી રહ્યો છે જેથી તંત્રવાહકો દ્વારા ડેમમાં પાણીની જગ્યા કરવા અને રૂલ લેવલ જાળવી રાખવામાં માટે બપોરના એક વાગ્યાથી ઉકાઈડેમમાંથી ૨૨ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી છે. અને જરૂર પડેતો તબક્કાવાર રીતે એક લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝન દરમ્યાન પહેલીવાર ડેમમાં ૮૬.૭૯ ટકા જેટલો ભરાઈ ગયો છે અને ઉપરવાસમાં વરસાદ યથાવત રહેવાને કારણે સપાટી રૂલલેવલ નજીક પહોચતા સપાટી મેઈન્ટેન કરવા માટે પાણી છોડવાની શરુઆત કરવામાં આવી હોવાનું ઉકાઈ ડેમના સત્તાધીશો એ ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500