Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ, આજે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે

  • December 23, 2022 

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. 


દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ ૫ થી ૧૦ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત ૨૩ જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ ૩૪૦૨ છે જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.


મંત્રીએ વધુમાં કહ્યું કે,દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા શુક્રવારે એટલે કે આજે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે.


પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલો, પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે તમામ તબીબો ,અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપીને સમીક્ષા કરવામાં આવી હતી.


રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. 



મંત્રીએ જીનોમ સિકવન્સિંગ સંદર્ભે જણાવ્યું હતુ કે, હાલ આર.ટી.પી.સી.આર પોઝીટીવ દર્દીનું ઝીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહીને 4 હજારથી વધુ ઝીનોમ સીકવન્સિંગ ટેસ્ટ કરવાની કેપીસીટી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં થયેલ કોરોના રસીકરણ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના પગલે ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરી માં અગ્રેસર રહ્યું છે.


મંત્રીએ વિશેષમાં જણાવ્યું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા રાજ્યોમાં BF 7 વેરિયન્ટ ના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે.ગુજરાતમાં નોંધાયેલ BF 7 થી સંક્રમિત 3 દર્દીઓ હોમ આઇસોલેસનમાં જ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.મંત્રીએ રાજ્યની જનતાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવરનું સ્વયંભુ રીતે પાલન કરવા તેમજ કોવિડ સંદર્ભે આપવામાં આવનાર સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અનુરોધ કર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application