રાજ્યમાં મે મહિનાની તારીખ 3જી તારીખે અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કર્યા બાદ હવે વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં પોલીસ આર.ટી.ઓ.નાં ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સંકલન થયુ છે. સુપ્રીમ કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં હવે અમદાવાદ બાદ અન્ય 20 સ્થળોએ ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટને નોટિફાઈ કરાયા છે. રાજ્યમાં હવે નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે. અરજદારોએ આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ-પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે. જેમા ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુ.પી.આઈ. તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે.
આ સુવિધા બાદ અરજદારોને ટ્રાફિકનો દંડ ભરવા માટે હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. વાહન ચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો બાદમાં આપમેળે ઈ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનાં સર્વરમાં મોકલી દેવામાં આવે છે અને ટ્રાફિક કેસોમાં વાહનનાં માલિકને નોટિસ તેમજ મોબાઈલ પર SMS દ્વારા દંડની જાણ કરવામાં આવે છે. આ સાથે દંડ ભરવાની લિંક પણ હોય છે. જો વાહન ચાલકને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.
આ જિલ્લામાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ....
જિલ્લો ગામ
અમદાવાદ ધોલેરો,
નવસારી સુબીર, ખેરગામ અને વઘઈ,
તાપી ઉચ્છલ,
સાબરકાંઠા પોશીના,
પાટણ શંખેશ્વર,
પંચમહાલ જામ્બુઘોડા,
ભાવનગર જેસર,
દાહોદ સંજેલી અને ધાનપુર,
પોરબંદર કુતિયાણા,
અમરેલી લીલીયા, કુંકાવાવ અને ખાંભા,
જુનાગઢ ભેસાણ,
ગીરસોમનાથ ગીર ગઢડા અને
સુરેન્દ્રનગર લખતર.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500