ગિરનારની લીલી પરિક્રમા વિધિવત સમય કરતા 40 કલાક વહેલી એટલે ગત તારીખ 22નાં વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ હતી. આ 4 દિવસ દરમ્યાન આજે રાત સુધીમાં નળપાણીની ઘોડી ખાતે 12.75 લાખ જેટલા યાત્રિકો નોંધાયા હતા. આ વખતે ભાવિકોનો વિક્રમજનક આંક નોંધાયો છે. 13.25 લાખ લોકોએ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ઘોડીથી પ્રવેશ મેળવ્યો છે. આજે પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થઈ રહી છે અને બીજા પડાવ માળવેલા ખાતે 40-50,000 યાત્રિકો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જયારે આવતીકાલે સાંજ અથવા રાત સુધીમાં પરિક્રમા પૂર્ણ થાય એવું અનુમાન છે.
પરિક્રમાનો પ્રવેશ દ્વાર ઈટવા ઘોડીથી જૂજ સંખ્યામાં પરિક્રમાર્થીઓ પ્રવેશ કરી રહ્યા છે. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં ભાવિકોની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ભાવિકો નોંધાયા છે. પરિક્રમાનો વનતંત્ર હસ્તકનો મુખ્ય પ્રવેશ દ્વાર પરથી 13.25 લાખ લોકોએ પ્રવેશ લીધો હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગણતરી પોઈન્ટ નળપાણીની ઘોડીએ સાંજ સુધીમાં 12.75 લાખ લોકોની ગણના થઈ હતી. હાલ જંગલના રસ્તાઓ પર ગણ્યા ગાંઠયા લોકો જોવા મળી રહ્યા છે. ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે ગત તારીખ 23ના મધ્યરાત્રિથી શરૂ થાય એ પૂર્વ તારીખ 22ના વહેલી સવારથી શરૂ થઈ ગઇ હતી.
આ દિવસો દરમ્યાન જંગલમાં મંગલનો માહોલ છવાયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખો ભાવિકો ઉમટી પડયા હતા અને અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લીધો હતો. આજે રાત સુધીમાં વનતંત્રના ગણતરી પોઇન્ટ પર 12.75 લાખ લોકો નોંધાયા હતા. આજે સવારથી પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી સુધીના અન્નક્ષેત્રો સંકેલાવાનું શરૂ થઈ ગયું હતું. ઈટવા ઘોડીથી જીણાબાવાની મઢી સુધીના રસ્તા પર આવતા બાપા સીતારામ અન્નક્ષેત્ર, જય ખોડીયાર અન્નક્ષેત્ર સહિતના અન્નક્ષેત્રોના સંચાલકોએ યાત્રિકોનો પ્રવાહ નહીવત જેવો થઈ ગયો હોવાથી રસોડું બંધ કરી સમીયાણું સંકેલવાનું કામ સાંજ સુધીમાં પુરૂ થઈ જાય તેવી શક્યતા છે.
સમીયાણું કાઢીને તેમના વાહનો જૂનાગઢ તરફ આવી રહ્યા છે. જ્યારે બીજા પડાવ માળવેલા ખાતે આજે રાત સુધીમાં 40થી 50,000 લોકો હોવાનો અનુમાન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે અંતિમ પડાવ બોરદેવી ખાતે યાત્રિકોની હજુ મોટી ભીડ હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલ બપોર સુધીમાં બોરદેવી રોકાણ કરનાર લોકો ભવનાથ તળેટી પહોંચી જશે. આમ, 40 કલાક વહેલી શરૂ થયેલી પરિક્રમા આવતીકાલે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500