Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

  • May 06, 2023 

વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેનાં માર્ગદર્શન હેઠળ તા. ૬ મે ૨૦૨૩ ને શનિવારના રોજ 'સાઇકલ ટુ ઓફિસ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ઘરેથી સાયકલ પર અને પગપાળા કચેરીમાં પહોંચ્યાં હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લાનાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી યુ.પી.શાહ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી નિલેશ કુકડીયા, નાયબ કલેક્ટર સ્ટેમ્પ-ડ્યુટી સુશ્રી શ્વેતાબેન પટેલ તથા કલેક્ટર કચેરી વલસાડનાં અન્ય કર્મચારીગણ ચાલીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. આ પ્રસંગે BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ડો.ભૈરવી જોશી અને વલસાડ રેસર્સ ગ્રુપના ડો.કલ્પેશ જોશી પણ જોડાયા હતાં.

        

વલસાડ જિલ્લામાં આવેલી વિવિધ કચેરીઓમાં સેવા બજવતાં અધિકારીઓ અને કર્મચારીઓ મોટાભાગે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર જેવાં પ્રાઇવેટ વ્હીકલમાં અવર-જવર કરતાં હોય છે. વધુમાં કચેરીઓમાં આવતાં અરજદારો તથા મુલાકાતીઓ પણ પ્રાઇવેટ વ્હીકલ લઈને આવતા હોય છે. જેના પરિણામે જે-તે કચેરીનાં પાર્કિંગ પ્લોટમાં પણ પ્રાઇવેટ વ્હીકલનો ભરાવો થવાથી ઘણી મુશ્કેલી સર્જાય છે. આમ જે-તે કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓ પોત-પોતાની કચેરીમાં અવર-જવર માટે ચાલીને અથવા સાઈકલીંગ કરીને જાય તો તેઓનાં સ્વાસ્થ્યને પણ ઘણો લાભ થઈ શકે અને તંદુરસ્ત અને નિરોગી રહી શકે છે.



તદપરાંત હવા અને ધ્વનિ પ્રદુષણમાં પણ ઘટાડો થઈ શકે છે, રસ્તા ઉપર ઓછી ભીડભાડ થઈ શકે છે. શહેરમાં સુલભતા જળવાય અને જાહેર જગ્યાની ગુણવત્તામાં વધારો થાય તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. આવા ઉમદા આશયથી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વલસાડ જિલ્લાની તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓને તા. ૦૬ મે ૨૦૨૩ ને શનિવારનાં રોજ પોતાની કચેરીએ સાયકલીંગ કરીને અથવા ચાલીને આવવા માટે જાહેર અપીલ કરી હતી.


વલસાડ જિલ્લાની વિવિધ કચેરીઓનાં અધિકારીઓ અને કર્મચારીઓને પણ તેઓનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા સૂચન કરવામાં આવ્યું છે. જેથી જાહેર જનતાને આ બાબતે સંદેશો મળે અને સાયકલીંગ કરવા અંગે વધુમાં વધુ લોકોમાં જાગૃતતા આવે. હવેથી ઉપરોક્ત 'સાયકલ ટુ ઓફિસ' કાર્યક્રમ દર માસનાં પ્રથમ શનિવારે યોજવા માટે કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જેની સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધ લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application