માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનાર વ્યક્તિઓને એવાર્ડ ટુ ગુડ સમરીટનથી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલી છે. જે અન્વયે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી સમિતી ખંડ, ગાંધીનગર ખાતેથી સ્કીમ ઓફ એવાર્ડ ટુ ગુડ સમરીટનનું રીલોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. આ શ્રેણીમાં જામનગરમાં પણ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
ગુડ સમરિટન એવોર્ડ અંગેની જાણકારી આપતાં આર.ટી.ઓ.શ્રી જે.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં વ્યક્તિઓને પ્રથમ કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થનાર વ્યક્તિ એટલે કે ગુડ સમરિટનને રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે. માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદરૂપ થનાર ગુડ સમરિટનને રૂ.પાંચ હજારનો રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારને રાષ્ટ્રીય કક્ષાએ રૂ.૧ લાખ પુરસ્કાર માટે પણ પસંદગીની તક મળશે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોતાની જાનનાં ભોગે કે પોતાના કામના ભોગે જે વ્યક્તિ બચાવ કાર્ય કરે છે તેને સમરિટન કહેવાય છે. દરેક લોકોએ અકસ્માતમાં મદદની ભાવના કેળવવી જોઈએ તેમજ અકસ્માત ન થાય તેની તકેદારી પણ રાખવી જોઈએ.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સમયસરની સારવાર માટે મદદરૂપ થનાર પાંચ વ્યક્તિઓનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500