સુરતના શ્રમજીવી વર્ગનું પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમયથી ક્લીનીક ખોલી કોઈપણ ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી લોકોના જીવન સાથે રમત રમતા બોગસ ડોકટરો વિરુદ્ધ સુરત પોલીસની ઝુંબેશ યથાવત છે. ગતરોજ સુરતની ગોડાદરા અને ભેસ્તાન પોલીસે તેમના વિસ્તારમાંથી કોઈપણ ડિગ્રી વિના ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે 27 ટીમ બનાવી તપાસ કરતા બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર મળ્યા હતા.પોલીસે તમામની ક્લીનીકમાંથી દવા અને મેડીકલનો સામાન મળી કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત પોલીસે બોગસ ડોક્ટર્સ સામે ઝુંબેશ હાથ ધરી હતી અને તેમને ડિગ્રી વિના પ્રેક્ટીસ કરવા જરૂરી સર્ટીફીકેટ પણ બનાવી આપનાર ભેજાબાજો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.છતાં સુરતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે.આરોગ્ય વિભાગની લાલિયાવાડીને પગલે મુખ્યત્ત્વે શ્રમજીવી વર્ગનું પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં ધમધમી રહેલા બોગસ તબીબોને શોધી કાઢવા માટે ગોડાદરા પોલીસ અને ભેસ્તાન પોલીસે ગતરોજ 27 ટીમ બનાવી તપાસ કરી હતી. તે પૈકી ગોડાદરા પોલીસે પાંચ જુદીજુદી ટીમો બનાવી આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી 34 ક્લીનીકમાં ડમી પેશન્ટ મોકલી ખરાઈ કર્યા બાદ વૃંદાવનપાર્ક સોસાયટી પ્લોટ નં.300 ના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત જીવન ક્લીનીક, લક્ષ્મણનગર સોસાયટી પ્લોટ નં.9 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત શાહ ક્લીનીક, મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે કેશરભવાની સોસાયટી પ્લો ટ નંએ-18 સ્થિત શ્રી ક્રિષ્ના કલીનીક, માનસરોવર સોસાયટી પ્લોટ નં.30 સ્થિત શુભમ કલીનીક, પ્રિયંકા સોસાયટી વિભાગ 1 પ્લોટ નં.10 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત રાધેક્રિષ્ણા કલીનીક, આસપાસ આદર્શકુંજ સોસાયટી પ્લોટ નં.5 સ્થિત સાલાસર કલીનીક અને સુપર સિનેમા શોપ નં.4 સ્થિત ખુશી કલીનીક ખાતેથી બે મહિલા સહિત સાત બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની ક્લીનીકમાંથી દવા અને મેડીકલનો સામાન મળી કુલ રૂ.1,04,865 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોડાદરા પોલીસ ઉપરાંત ભેસ્તાન પોલીસે 22 જુદીજુદી ટીમ બનાવી ઉન વિસ્તારમાં ભીંડીબજાર અને હયાતનગર વિસ્તારમાં રેડ કરી હતી.ભેસ્તાન પોલીસે અર્ષ ક્લીનીકમાં તપાસ કરતા ત્યાં ક્લીનીકની બહાર ડો.આનંદ બક્ષી (એમ.એસ સર્જન)નું બોર્ડ હતું અને લતીફ મોહમદ રઝા અંસારી કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ક્લીનીક ચલાવતો મળ્યો હતો.તેવી જ રીતે ભીંડીબજાર રહેમતનગરમાં એસ.બી ક્લીનીકની બહાર ડો.જુબેર અખ્તર (બી.એ.એમ.એસ)નું બોર્ડ હતું અને મોહમદ જાવેદ મોહમદ ઇદુ શેખ બી.ઇ.એમ.એસની ડિગ્રીના આધારે પ્રેકટીસ કરતા ઝડપાયો હતો. આ ઉપરાંત ભેસ્તાનના હમીદ નગર શાકમાર્કેટમાં વિવેક ક્લિનીકની બહાર ડો.વિવેક બિશ્વાસ નામનું બોર્ડ હતું અને બિબેકાનંદ બિજોઇ ક્રિષ્ના બિશ્વાસ પ્રેક્ટીસ કરતો મળ્યો હતો.ઉન ભીંડીબજારના દિલદાર નગરમાં આકાશ ક્લિનીકમાં પણ કોઇ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો મલય મહીતોષ બિશ્વાસ મળતા પોલીસે તેમને ઝડપી પાડી ચારેય ક્લિનીકમાંથી રૂ.26 હજારથી વધુની કિંમતનો દવાનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોડાદરામાંથી ઝડપાયેલ...
1.વિકાસ તેજનારાયણ સાહુ (ઉ.વ.28, રહે.પ્લોટ નં.29, જલારામનગર સોસાયટી, મંગલ પાંડે હોલની પાસે, ગોડાદરા, સુરત. મૂળ રહે. ઇટારી, તા.દિનારા, જી.રોહતાસ, બિહાર),
2.રાજકિશોર અયોધ્યા શાહ (ઉ.વ.65,રહે.પ્લોટ નં.284, પ્રિયંકા સોસાયટી વિભાગ-2, આસપાસ મંદીર પાસે, ગોડાદરા, સુરત. મૂળ રહે.લાભગાંવ, જી.ખગડીયા, બિહાર),
3.મહેતાસ ભવાની પ્રસાદ મંડલ (ઉ.વ.46, રહે.ઘર નં.એ/18, કેશરભવાની સોસાયટી, ગોડાદરા, સુરત. મૂળ રહે.પાનીખાલી માલદિયા, તા.ધાંતલા, જી.નદિયા, પ.બંગાળ),
4.રામસિંગભાઇ મુલસિંગભાઇ અખાવત (ઉ.વ.52, રહે.ફ્લેટ નં.પી/508, સુડા સહકાર આવાસ, દેવધગામ, ગોડાદરા, સુરત. મૂળ રહે.ખાઢા, તા.કિશનગઢ, જી.અજમેર, રાજસ્થાન),
5.સર્વજ્ઞસિંગ ઉર્ફે રવિસિંગ સુશીલસિંગ (ઉ.વ.28, રહે.ઘર નં.98, માનસરોવર સોસાયટી, છઠ સરોવર સામે, ડીંડોલી, સુરત. મૂળ રહે.કોરો રાઘવપુર, તા.ભીખાપુર, જી.અયોધ્યા, ઉત્તરપ્રદેશ),
6.સીમાસિંગ રવિંદ્રસિંગ (ઉ.વ.38, રહે.ઘર નં.30, ખોડીયારનગર-3, આસપાસ મંદીર સામે, ગોડાદરા, સુરત. મૂળ રહે.ગૌરા ગામ, જી.વારાણસી, ઉત્તરપ્રદેશ),
7.દયાશંકરભાઇ રામશંકરભાઇ ઓઝાની દીકરી પ્રીતીબેન (ઉ.વ.38, રહે.ઘર નં.143, કૈલાશનગર, લીંબાયત, સુરત. મૂળ રહે.ઓઝાપુર, તા.લંબુઆ, જી.સુલ્તાનપુર, ઉત્તરપ્રદેશ),
ઉનમાંથી ઝડપાયેલ...
1.લતીફ મોહમદરજા અંસારી (ઉ.વ.27, રહે.પ્લોટ નં.103, તીરૂપતિ નગર,ઉન પાટીયા, ભેસ્તાન, સુરત. મૂળ રહે.સરૈયા, જી.બસ્તી, ઉત્તર પ્રદેશ),
2.મોહમદ જાવેદ મોહમદ ઇદુ શેખ (ઉ.વ.53, રહે.ઘર નં.51, ફૈજલનગર, ભીંડીબજાર, ઉન, ભેસ્તાન, સુરત. મૂળ રહે.રામનગર, જી.જોનપુર, ઉત્તર પ્રદેશ),
3.બિબેકાનંદ બિજોઇક્રિષ્ના બિસવાસ (ઉ.વ.58, રહે.ઘર નં.13, હમીદ નગર, શાકમાર્કેટ પાસે, ઉન, ભેસ્તાન, સુરત. મૂળ રહે.સબાલીયા ડાંગર, જી.નોદિયા, પ. બંગાલ),
4.મલય કુમાર મહીતોશ બિસ્વાસ (ઉ.વ.40, રહે.મો.મતલુબની રૂમમાં, રૂમ નં.29, દીલદાર નગર, ભીંડીબજાર, ઉન, સુરત. મૂળ રહે.ગોવીંદોબાગાન, તા.ધાનતાલા, જી.નદીયા, પ.બંગાળ).
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application