આ વર્ષે ચોમાસા પહેલાં ગુજરાતનાં લોકોને રાજ્ય ઉપરાંત દેશના વિવિધ રાજ્યોની કેરી ખરીદવાની તક ગાંધીનગરમાં મળશે, કેમ કે રાજ્ય સરકાર આ વર્ષે તા.27 થી 29 મે દરમિયાન 3 દિવસનો રાષ્ટ્રીય મેંગો મહોત્સવ યોજવા જઇ રહી છે. રાજ્ય પ્રવાસન વિભાગ તરફથી ગાંધીનગરના સેક્ટર-11માં રામકથા મેદાનમાં રાષ્ટ્રીય કેરી મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે.
આ મહોત્સવમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવશે. ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ મનોરંજક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકો માટે એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500