ગાંધીનગરમાં આવેલ કુડાસણના પ્રતીક મોલમાં કોમ્પ્યુટરની ઓફિસમાં કોઈન આધારે જુગારધામ ચાલતું હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલ.સી.બી.ની ટીમે દરોડો પાડીને ૧૧ જુગારીઓને ઝડપી લીધા હતા અને ૩૬ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળેથી દારૂની ચાર બોટલ પણ મળી આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેર નજીક આવેલા કુડાસણના પ્રતીક મોલમાં આવેલી કોમ્પ્યુટર કેર નામની ઓફિસમાં પ્રિગ્નેશ ભરતભાઇ પટેલ તથા કૌશલેંદ્રસિંહ ગોવિંદસિંહ રાજપુત દ્વારા હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે.
જેના પગલે પોલીસે આ ઓફિસમાં દરોડો પાડતા કોઈન મારફતે જુગાર રમતા પ્રિગ્નેશ ભરતભાઇ પટેલ, કૌશલેન્દ્રસિંહ ગોવિંદસિંહ રાજપુત, દિપ સમીરકુમાર પટેલ, યશ હસમુખભાઇ ગજ્જર, વિનીત ચિંતનભાઈ પટેલ, રાજેશકુમાર જોઇતારામ પટેલ, નરેશકુમાર ગોવિંદભાઇ પટેલ, ઉમંગ હિતેશભાઈ પટેલ, હાદક સુરેશભાઇ પટેલ, સંજીવ મહેંદ્રભાઇ ગુપ્તા અને હાદક જેસંગભાઇ પટેલ નાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા ૧.૩૩ લાખની રોકડ તેમજ મોબાઇલ અને વાહનો મળી ૩૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસને આ ઓફિસમાંથી વિદેશી દારૂની ચાર બોટલ પણ મળી આવી હતી. ઘટના અંગે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500