ગાંધીનગર જીલ્લામાં પોલીસની ઓળખ આપીને નિર્દોષ નાગરિકોને લૂંટતી ગેંગ ઘણાં સમયથી સક્રિય થઈ છે. ત્યારે શહેરનાં કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર રાજસ્થાનના વેપારીને પોલીસની ઓળખ આપીને લૂંટી લેવાની ઘટના સામે આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના જાલોર જીલ્લાનાં થુર ગામમાં રહેતા મોહનભાઈ પ્રેમાજી બાગરી મહારાષ્ટ્રના અલગ-અલગ જીલ્લાઓમાં કાચના શોપીસ વેચવાનું કામ કરે છે. મોહનભાઈ અને તેમના પુત્ર સંજય તથા ભત્રીજા કિશન સાથે મહારાષ્ટ્રના મલકાપુરથી લકઝરી બસમાં બેઠા હતા અને તેમની પાસે આ શોપીસ વેચીને આવેલા 3.9 લાખ રૂપિયા રોકડા હતા. જયારે તેમના ભત્રીજા પાસે 18 હજાર રોકડા હતા. જે તેમને થેલામાં મુકી દીધા હતા. અમદાવાદ સીટીએમ ખાતે બપોરે ઉતર્યા બાદ તેઓ રીક્ષામાં ઈન્દિરા બ્રીજ અને ત્યાંથી રીક્ષામાં બેસીને ત્રિમંદિર અડાલજ આવવા માટે નીકળ્યા હતા.
આ સમયે કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર તેમની રીક્ષા નંબર જીજે/01/કેબી/7088માં બેસી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કારમાં બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને રીક્ષા રોકી હતી. મોહનભાઈને આ બે અજાણ્યા ઈસમો પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને થેલા ચકાસ્યા હતા. ત્યારબાદ આ ઈસમોએ થેલા કારમાં મુકીને તેમને અડાલજ પોલીસ ચોકી આવવા માટે કહ્યું હતું. જેથી મોહનભાઈ અને તેમના પુત્ર તથા ભત્રીજો રીક્ષામાં અડાલજ પહોંચ્યા હતા.
પરંતુ ત્રણ રસ્તા પાસે કોઈ પોલીસ ચોકી નહીં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેઓ રાજસ્થાન વતનમાં પાછા ગયા અને પરિવારજનોને આ બનાવ વિષે જાણ કર્યા બાદ પરિવારજનો અને મોહનભાઈએ આ બનાવ અંગે સાંજે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આ બનાવ અંગે અડાલજ પોલીસે એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500