ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં આજોલ ગામમાં ચાર રસ્તા પાસે આવેલ એક દુકાનના શટરનું તાળું તોડી અજાણ્યા ચોર ઇસમોએ દુકાનમાં મુકેલ એક લાખ વીસ હજારના બે કેમેરા અને એસેસરીઝની ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતની જાણ દુકાન માલિકને વહેલી સવારે થતાં તેમણે ચોરી કરનાર શખ્સની શોધખોળ બાદ માણસા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોર ઇસમોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા તાલુકાના આજોલ ગામે રહેતા અને ચાર રસ્તા નજીક સાઇનાથ સ્ટુડિયો તેમજ ટ્રેડિંગનો વ્યવસાય કરતાં હર્ષદભાઇ ચાવડા સાંજે નિત્યક્રમ મુજબ તેમના સ્ટુડિયો પરથી ઘરે આવ્યા હતા. ત્યારબાદ રાત્રીના સમયે તેમના આ સ્ટુડિયો પર અજાણ્યા ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને દુકાનના શટરનું તાળું તોડી અંદરના દરવાજાનું તાળું તોડી દુકાનમાં હર્ષદભાઇએ મુકેલા 85 હજાર અને 35 હજારની કિંમતના નિકોલ કંપનીના 2 ફોટો કેમેરા અને કેમેરાની એસેસરીઝની ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતની જાણ દુકાન માલિકને થતા તેમને દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારે સવા 3 વાગે એક ચોર દુકાનમાં પ્રવેશ કરે છે અને કેમેરા અને એસેસરીની ચોરી કરી બહાર નીકળી જાય છે અને તેનો બીજો સાથીદાર તે સમયે દુકાનની બહાર ઉભો રહેલો દેખાઇ આવે છે.
જેથી ફુટેજના આધારે દુકાન માલિકે દુકાનની આજુબાજુના વિસ્તારોમાં અને ખેતરોમાં ચોરી કરનાર ઇસમોને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો કોઇ પત્તો ન લાગતા આખરે હર્ષદભાઇએ પોલીસને ચોરી બાબતની જાણ કરતાં પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500