ગાંધીનગર શહેરના સેકટર-4માં ગતરોજ રાત્રે કારમાં આવેલા 10 જેટલા શખ્સો હાથમાં છરો, લોખંડની પાઈપ અને ગુપ્તી સાથે ત્યાં બેઠેલા સેકટર-5નાં યુવક ઉપર તુટી પડયા હતા. જેના પગલે આસપાસના દોડધામ મચી ગઈ હતી અને ઘાયલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરીયાદના આધારે સેક્ટર-7 પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેરના સેક્ટર-5/સી પ્લોટ નંબર-987/2માં રહેતો મીત સુરેશભાઈ પટેલ (ઉ.વ.19) જે અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરે છે અને ગતરોજ રાત્રે તે તેના ભાઈ મન અને અન્ય મિત્રો સાથે સેક્ટર-4માં ગયો હતો. તે સમયે એક કાર તેમની નજીકથી પસાર થઈ હતી અને આગળ આવીને ઉભી રહી ગઈ હતી અને કારમાં નીખીલ ઉપાધ્યાય અને જયરાજસિંહ ગોધાવી સવાર હતા. જેથી મીતે કાર ધીમી ચલાવવા માટે આ શખ્સને કહ્યું હતું.
ત્યારબાદ થોડીવાર પછી નીખીલનો મિત્ર હિતેન્દ્રસિંહ વાઘેલા અને દીવ્યરાજ વાઘેલા કારમાં આવીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તે દરમિયાન અન્ય શખ્સો સુરેન્દ્રસિંહ રતનસીંહ વાઘેલા, રવિન્દ્રસિંહ સહિત અન્ય ચારેય જેટલા ઈસમો હાથમાં લોખંડના સળીયા, ગુપ્તી અને અન્ય હથિયારો લઈને મીત ઉપર તુટી પડયા હતા. મનને પણ માર માર્યો હતો. આ મારામારીના પગલે આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને બન્ને ઘાયલ યુવકને સારવાર માટે ગાધીનગર સિવિલમાં 108 મદદથી મારફતે ખસેડાયા હતા. જયાં મીતની ફરીયાદના આધારે પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500