રાજ્યમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની જગ્યા ભરવા માટે વિવિધ સેન્ટરો ઉપર રવિવારે પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૃપે સેક્ટર-૧૫માં આવેલી એલડીઆરપી કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેમ સોશ્યલ ડીસ્ટસીંગ અને માસ્કના નિયમોને પણ ભુલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં તો માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાતાં વાહન ચાલકો પણ અટવાયાં હતાં.
ગુજરાતમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની ભરતી કરવા માટેની પરીક્ષા અગાઉ કોરોનાના પગલે મુલત્વી રાખવામાં આવી હતી. ત્યારે કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર નબળી પડતાં ૧૧ શહેરના ૫૮ સેન્ટર ઉપર રવિવારે પરીક્ષાનું આયોજન જીટીયુ દ્વારા કરાયું હતું. જેના ભાગરૃપે ગાંધીનગર શહેરમાં પણ વિવિધ સેન્ટરો ઉપર યોજાયેલી પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા. સેક્ટર-૧૫માં એલડીઆરપી ખાતે પરીક્ષા આપવા આવેલાં ઉમેદવારો ઉમટી પડતાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું ભુલાયું હતું.
કોલેજ સત્તાવાળાઓ દ્વારા સોશ્યલ ડીસ્ટસીંગ તેમજ માસ્ક, ટેમ્પરેચર ગન મારફતે ચકાસણી કર્યા પછી પરીક્ષાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચતાં કોલેજ બહાર આવેલાં માર્ગ ઉપર પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. તો બીજી તરફ એકઠા થયેલાં પરીક્ષાર્થીઓ નંબરની ચકાસણી કરવામાં કોલેજ બહાર ઉમટી પડતાં સોશ્યલ ડીસ્ટસીંગ અને ફરજીયાત માસ્કના કાયદાના લીરેલીરા ઉડયાં હતાં. કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યાં હોય તેમ આ ઉમેદવારો કોરોનાની ગાઇડલાઇનને પણ ભુલી ગયા હોય તેવું પરીક્ષા કેન્દ્રની બહાર નજરે પડયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500