ગાંધીનગરમાં નોટીફાઈડ એરીયા કચેરી હતી ત્યારે વસાહતીઓએ સોસાયટીની બહાર મુકેલી કચરા પેટીઓમાં કચરો નાંખવા માટે જાતે જવું પડતું હતું. ત્યારે હવે ગાંધીનગરમાં કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેઝ કલેકશન યોજના અમલમાં મુકવામાં આવી છે. જોકે, કચરાનો વૈ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સુકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવામાં આવે તે જરૂરી છે. ત્યારે અગાઉ ગાંધીનગરના વસાહતીઓને કોર્પોરેશન તંત્રએ અનેક વખત અપીલ કરી છતાં હજુ સુધી અલગ-અલગ પેટીમાં કચરો આપવામાં આવતો નથી.
ત્યારે મ્યુનિ.કમિશનર ધવલ પટેલે ગાંધીનગરના વસાહતીઓને પત્ર પાઠવીને કચરો અલગ રાખવા અપીલ કરી છે તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે આ પધ્ધતિને અનુસરવી જ પડશે. ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે અને સુકા કચરાને રીસાયકલ કરીને તેનો ઉપયોગ પણ થઈ શકે છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016થી આ કાયદો અમલમાં છે. આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત આ પધ્ધતિને અપનાવવી જરૂરી છે.
ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા દરરોજ 100 ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવે છે. જેથી આ કચરાનો કોર્પોરેશન દ્વારા નિકાલ કરવામાં આવે છે પરંતુ વસાહતીઓ જ સુકો અને ભીનો કચરો અલગ-અલગ આપે તો કોર્પોરેશનની કામગીરી પણ હળવી થાય તેમ છે. આગામી દિવસોમાં જે મકાનધારકો ઘરેથી નીકળતો સુકો અને ભીનો કચરો અલગ નહીં આપે તેમની સેવાઓ આગામી સમયમાં સ્થગિત કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500