દહેગામ શહેરમાં આવેલ જીઆઈડીસીમાંથી આવી રહેલા એક વૃધ્ધને પાછળથી આવી રહેલ ક્રેનના ચાલકે બેફામ હંકારી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદમાં ક્રેનનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજાઓ બાદ વૃધ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દહેગામ શહેરમાં આવેલ જીઆઈડીસીમાં રહેતા નટવરલાલ ત્રિકમલાલ બારોટ બજારમાં જવા માટે ચાલતા નિકળ્યા હતા. જ્યારે તેઓ વર્ધમાન સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ ક્રેન નંબર જીજે/18/એચ/9298ના ચાલકે તેની ક્રેન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નટવરલાલને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમની ઉપર ક્રેનનું ટાયર ફરી ફળ્યું હતું. અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે સંખ્યાબંધ લોકોના સ્થળ પર ભેગા થઈ ગયા હતા.
આ અકસ્માત સર્જનાર ક્રેન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી છૂટયો હતો. અકસ્માતની ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહીના અંતે મૃતદેહને પીએમ અર્થે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસે મૃતકના પુત્ર ઉપેન્દ્રકુમાર નટવરલાલ બારોટની ફરિયાદના આધારે ક્રેનના અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500