ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટીશ કરતી બે મહિલા વકીલો સામાન્ય બાબતમા બોલાચાલી થઈ હતી. જોકે અગાઉ નોંધાયેલી ફરિયાદ બાબતે એક મહિલા વકીલ મુદતે આવી હતી. ત્યારબાદ સિનિયર વકીલના ટેબલ પાસે જતા તે વકીલની જૂનિયર સાથે માથાકૂટ થઇ હતી. જેને લઇને બંને મહિલા વકીલોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. અમ્રિતાબેન કિરીટકુમાર ભાવસાર (રહે.કડીવાળો ચોક,વડનગર) નાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગાંધીનગર કોર્ટમાં અગાઉ સ્વાતીબેન ડાહ્યાભાઇ આસુદીયા (રહે.સેક્ટર 1બી)એ મારી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી, જેની મુદત ભરવા આવી હતી.
જોકે આ બાબતે સમાધાનની વાત પણ ચાલતી હતી. જ્યારે હુ અગાઉ ભગવાન રામચંન્દ્ર શર્મા (બી.આર.શર્મા) સાથે જુનિયર વકીલ તરીકે પ્રેક્ટીશ કરતી હતી. જેથી તેમના ટેબલ પાસે ગઇ હતી. તે સમયે સ્વાતી આસુદીયા, કલ્પના સોલંકી અને બીઆર શર્મા હાજર હતા. તે સમયે સમાધાનની વાત કરતા જ ત્રણેય જણા ઉશ્કેરાઇ મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને સ્વાતીએ મારા વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો.
જેમા ટેબલ સાથે ભટકાવતા ઇજાઓ થઇ હતી. જ્યારે ત્રણેય લોકોએ કહ્યુ હતુ કે, હવે પછી મારા ટેબલે આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. બીજી તરફ સ્વાતી ડાહ્યાભાઇ આસુદીયા (રહે, સેક્ટર 1બી, ગાંધીનગર) નાએ ફરિયાદ નોંધાવી હતી કે, હુ ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટીશ કરૂ છુ. ત્યારે અગાઉ અમ્રિતાબેન કિરીટભાઇ ભાવસાર સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલતો હતો, જેની મુદત હોવાથી અમ્રિતા ભાવસાર આવી હતી.
તે સમયે સમાધાનની વાત ચાલતી હતી. ત્યારપછી અમ્રિતા ભાવસાર મારા ટેબલ ઉપર હાજર હતા. તે સમયે અમારા ક્લાર્કે અમ્રિતાને ખુરશીમાંથી ઉભા થવાનુ કહેતા ઉશ્કેરાઇ ગઇ હતી અને જાતિ વિષયક ગાળો બોલવા લાગી હતી. પોલીસ કંટ્રોલને ફોન કરતા વધુ ઉશ્કેરાઇ જતા મારામારી કરી હતી. તને ગાંધીનગર છોડાવી દઇશ, તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500