કોરોનાની બીજી લહેરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉંઘતી ઝડપાયા બાદ સંભવિત ત્રીજી લહેર પહેલા સંપુર્ણ સજ્જ રહેવા માંગે છે. જેના પગલે છેલ્લા ઘણા વખતથી ટ્રેનીંગ અને મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે. એટલુ જ નહીં, કોરોનાની અસરને ઓછી કરવા માટે અને કોરોના વિરોધી રસીકરણ અભિયાનને પણ તેજ કરવામાં આવ્યું હતું. સરકારે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસી આપવાનું નક્કી કર્યા બાદ રસીકરણનું મહાઅભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બુથ વધારવામાં આવ્યા હતા જ્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અને રજીસ્ટ્રેશન માંથી પણ મુક્તિ આપી દેવામાં આવતા રસીકરણે એકાએક સ્પિડ પકડી હતી.
પરંતુ સામે સ્ટોક ઉપલબ્ધ નહીં હોવાને કારણે મહાઅભિયાન ધીમું પડયું હતું. ઉપરથી સ્ટોક ઓછો આવતો હતો અને ગ્રામજનો સાથે સંઘર્ષો થતા હોવા છતા ગાંધીનગર જિલ્લામાં ધીમુ પણ મક્કમ રસીકરણ અભિયાન ચાલુ રહ્યું હતું. જેના પગલે ગાંધીનગર જિલ્લાના કુલ 114 ગામોમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે.
ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સુચનાને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જે ગામોમાં ઓછા લાભાર્થીઓ હોય તેમજ જે ગામોમાં ઓછા લાભાર્થી કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાના બાકી હોય તેવા ગામોમાં રસીકરણ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવી હતી. આ પ્રકારે રસીકરણ અભિયાન નાના-મોટા તમામ ગામોમાં તબક્કાવાર ચલાવવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે કુલ 114 ગામોમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે. ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીને લઇને વધુ સજાગતા જોવા મળી રહી છે. જેના પગલે વિવિધ અંધશ્રધ્ધાને દુર કરીને માણસા તાલુકાના કુલ 46 ગામોને સંપુર્ણ રસીકરણથી રક્ષિત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત દહેગામના 39 ગામોમાં પણ 100 ટકા રસીકરણ થઇ ગયું છે. જ્યારે ગાંધીનગર તાલુકાના 15 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. તો બીજીબાજુ કલોલમાં સૌથી ઓછા ફક્ત 14 ગામો જ સંપુર્ણ રસી કરણથી સજ્જ હોવાનું સામે આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500