લોકસભાની ચૂંટણીની લઈને બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કરી વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકસભાની ચૂંટણીની લઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગેનીબેને પાલનપુરના ગામડાઓમાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ભાજપના ઉમેદવારને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે 'એકબાજુ જનશક્તિ છે અને એક બાજુ ધન શક્તિ છે, ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં. ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં તે 2017માં હું ચૂંટણી લડી એમાં મને અનુભવ છે, તમે ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ અમારા માટે વેંત નામશો તો અમે તમારા માટે હાથ જેટલું નમીશું. મારા માટે આ વિસ્તાર કદાચ નવો હશે પણ અનુભવ ખૂબ બહોળો છે'.
તેમણે ઉમેર્યું હતું કે, 'મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યા છે મને ખુબ અનુભવ છે. ગાયનું રક્ષણ હોય અને દીકરીઓની પડતી મુશ્કેલીઓ હોય તેમના માટે હું લડતી રહીશ, હું મતનું મામેરું માંગવા આવી છું. મારે હીરા, મોતી, પૈસા નથી જોઈતા પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરજો'. ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તેમનું સ્વાગત કરીને આવકારી રહ્યા છે તો ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ મતદારો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500